લંડનઃ અદાલતે મહિલા માનવઅધિકાર એક્ટિવિસ્ટને કન્ઝર્વેટિવ પાર્ટીના લોર્ડ રેમી રેન્જર વિશે નકારાત્મક પ્રચાર નહીં કરવા આદેશ આપ્યો છે. જોકે આ જ મહિલાને હેરાન કરવા બદલ અગાઉ લોર્ડ રેન્જરની સીબીઇની પદવી પરત લઇ લેવાઇ હતી. ડેપ્યુટી હાઈકોર્ટ જજ રિચર્ડ સ્પીયરમેન કેસીએ ઇન્ડિયન લેડીઝ યુકેના સ્થાપક પૂનમ જોશીને લોર્ડ રેન્જર વિશેના નકારાત્મક સમાચાર લેખો શેયર કરવાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. પૂનમ જોશી અગાઉ હાઉસ ઓફ લોર્ડ્સની શિસ્ત સમિતિના એ તારણોને શેયર કરી રહ્યા હતાં જેમાં લોર્ડ રેન્જર દ્વારા તેમને હેરાન કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ હતી.
અદાલતે પૂનમ જોશીને લોર્ડ રેન્જર સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જજે નોંધ્યું હતું કે પહેલાથી જ વ્યાપકપણે પ્રકાશિત થયેલા સમાચાર અહેવાલોને વારંવાર દોહરાવીને વિવાદ વધારવો એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો વ્યાજબી ઉપયોગ નથી.
અદાલતના આ હુકમનું ઉલ્લંઘન કરશે તો પૂનમ જોશીને જેલવાસ, દંડ અથવા સંપત્તિ જપ્ત થવા જેવા પગલાંનો સામનો કરવો પડી શકે છે. જોકે તેમણે આ નિર્ણય સામે અપીલ કરવાની યોજના બનાવી છે.


