લંડનઃ એક આંતરરાષ્ટ્રીય સ્તરના સીમાચિહ્નરૂપ કાનૂની કેસમાં, કન્ઝર્વેટિવ પક્ષના પીઅર લોર્ડ રેમી રેન્જરને તેમનું CBE (કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) સન્માન પાછું ખેંચવાના નિર્ણય સામે જ્યુડિશિયલ રિવ્યુ મેળવવાનો અધિકાર મળ્યો છે. લોર્ડ રેન્જરને વર્ષ 2015માં વ્યાપાર અને સામાજિક એકતા ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
જોકે, વર્ષ 2024માં ઓનર્સ ફોરફિચર કમિટી દ્વારા તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને મીડિયા ઇન્ટરવ્યુનો હવાલો આપીને આ એવોર્ડ રદ કરવામાં આવ્યો હતો. લોર્ડ રેન્જરના વકીલોએ દલીલ કરી હતી કે આ નિર્ણય અપ્રમાણસર અને વાણી સ્વાતંત્ર્ય પરનો હુમલો છે. સામાન્ય રીતે સન્માન રદ કરવા માટે કોઈપણ ગુનામાં દોષિત ઠરવું કે તપાસ થવી જરૂરી હોય છે, પરંતુ લોર્ડ રેન્જર સામે આવી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમની વિરુદ્ધ અંગત સ્વાર્થ ધરાવતા વિરોધીઓની ફરિયાદોના આધારે જ તેમને લક્ષ્ય બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. કેબિનેટ ઓફિસ સમિતિએ અપૂર્ણ કે અચોક્કસ માહિતીના આધારે નિર્ણયો લીધા હતા.
કોઈપણ સન્માન પરત લેવાના નિર્ણય વિરુદ્ધ જ્યુડિશિયલ રિવ્યુની મંજૂરી મળવી એ અભૂતપૂર્વ ઘટના છે. આ કેસની સુનાવણી કરતી વખતે જજ મિસીસ જસ્ટિસ લીવને ચુકાદો આપ્યો હતો કે સન્માન રદ કરવાની પ્રક્રિયામાં યોગ્ય માપદંડોનું પાલન થવું જરૂરી છે, જેનું વ્યાજબી વિશ્લેષણ થઈ શકે છે અને તેમાં એવું કંઈ નથી જે તેને જ્યુડિશિયલ રિવ્યુ માટે અયોગ્ય બનાવે. કોઈપણ વ્યક્તિનું સન્માન રદ કરવું એ અત્યંત જાહેર નિર્ણય છે, જેનાથી તે વ્યક્તિના જીવન અને પ્રતિષ્ઠા પર વ્યાપક અસરો પડે છે. આ પ્રકારના નિર્ણયોમાં નૈતિક અને સદાચાર સંબંધિત પાસાઓ ચોક્કસ રહેલા છે, પરંતુ તે અન્ય કોઈપણ સામાન્ય જ્યુડિશિયલ રિવ્યુ ક્ષેત્રના નિર્ણયોથી અલગ નથી.
આ ચુકાદા બાદ લોર્ડ રેન્જરે કેબિનેટ ઓફિસ અને 'ફોરફિચર કમિટી'ને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા અને વધુ કાનૂની કાર્યવાહી વગર તેમનું CBE સન્માન પુનઃસ્થાપિત કરવા અપીલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, બ્રિટિશ વ્યાપાર અને એશિયન સમુદાયની 30 વર્ષની સેવા બાદ MBE અને CBE મેળવીને હું ગૌરવ અનુભવતો હતો. સન્માન આપવા માટે ચોક્કસ અને કડક માપદંડો હોય છે, પરંતુ સમિતિના આ રદ કરવાના નિર્ણયથી મારી માનહાનિ થઈ છે અને મારી પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે.


