લોર્ડ્સમાં બ્રેક્ઝિટ બિલ ત્રણ વાર ફગાવાયું

Wednesday 22nd January 2020 01:52 EST
 

લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા બ્રેક્ઝિટ બિલને ત્રણ વખત ફગાવી દેવાતા બોરિસ જ્હોન્સનને સામાન્ય ચૂંટણી પછી પ્રથમ વખત પરાજય સહન કરવો પડ્યો છે. હવે આ ઈયુ વિથ્ડ્રોઅલ બિલ ફરીથી કોમન્સ સમક્ષ લઈ જવાશે. જોકે, કોમન્સમાં કન્ઝર્વેટિવોની બહુમતી હોવાથી તેઓ ઉમરાવોના વિરોધને ઉલટાવી શકાશે.

બ્રેક્ઝિટ બિલને પ્રથમ પરાજય બ્રેક્ઝિટ પછી યુકેમાં કાયદેસર રહેનારા ઈયુ નાગરિકોના અધિકારો મુદ્દે હતો. ઉમરાવોએ ઈયુ નાગરિકોના સ્ટેટસને માત્ર ડિજિટલ ડોક્યુમે્ન્ટ્સથી વિશેષ ફીઝિકલ પ્રૂફ આપવાના સુધારાને ૪૧ મતની બહુમતીથી ૨૭૦ વિ. ૨૨૯ મતે પસાર કર્યો હતો.

બીજો પરાજય યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાઓથી અલગ પડવાની સત્તા કઈ કોર્ટ પાસે હોવી જોઈએ તેનો નિર્ણય મિનિસ્ટર્સ પાસેથી ખૂંચવી લેવા મુદ્દે હતો. લોર્ડ્સે કહ્યું હતું કે ઈયુ કેસ લોથી અલગ થવા બાબતે કેસ મુજબ સુપ્રીમ કોર્ટને અર્થઘટનની જવાબદારી સોંપાવી જોઈએ. મિનિસ્ટર્સની સત્તા દૂર કરવાના સુધારાને ૩૬ મતની બહુમતીથી ૨૪૧ વિ. ૨૦૫ મતે પસાર કરાયો હતો.

પૂર્વ ટોરી ચાન્સેલર લોર્ડ મેક્કે ઓફ ક્લેશફર્ન દ્વારા ઈયુ કેસથી લોથી અળગા થવું કે નહિ તેનો નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટ્ને કેસીસ રીફર કરવાનો સુધારો મૂકાયો હતો. ઉમરાવોએ ન્યાયતંત્રની સ્વતંત્રતામાં દખલગીરી કરવા સામે ચેતવણી સાથે આ સુધારાને ૨૦ મતની બહુમતીથી ૨૦૬ વિ. ૧૮૬ મતથી પસાર કરતા બિલને ત્રીજો પરાજય સહન કરવો પડ્યો હતો.

બ્રેક્ઝિટ બિલને ફગાવી દેવાના લોર્ડ્સના આ વલણથી નાનો અવરોધ સર્જાયો છે અને તેનાથી બિલમાં વિલંબ પણ થશે નહિ. કોમન્સમાં ચર્ચા પછી બિલ બહુમતીથી પસાર કરાયું તે જ પ્રક્રિયા માટે લોર્ડ્સમાં મોકલાયું હતું. જો લોર્ડ્સમાં બિલ પસાર થયું હોત તો સીધું શાહી સંમતિ માટે ક્વીન પાસે મોકલાયું હોત. જોકે, લોર્ડ્સ દ્વારા સુધારાઓ રજૂ કરાયાથી હવે તેને પુનઃ કોમન્સમાં મતદાન માટે મૂકાશે. લોર્ડ્સમાં ૪૧ મતથી પરાજય છતાં કોમન્સમાં બોરીસ જ્હોન્સન પાસે ૮૦ મતની બહુમતી છે અને ટોરીઝ દ્વારા આ સુધારા ફગાવી દેવાશે. આ પછી બિલને ક્વીન સમક્ષ સંમતિ માટે મોકલી દેવાશે જેથી યુકે માટે ૩૧ જાન્યુઆરીએ ઈયુમાંથી બહાર નીકળવાનું શક્ય બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter