વંશીય ટિપ્પણીઓ માટે ટોરી કાઉન્સિલરની પત્નીની ધરપકડ

લ્યૂસી કોલોનીએ માઇગ્રન્ટ્સની હોટલો બાળી નાખવાની ઉશ્કેરણી કરી હતી

Tuesday 13th August 2024 11:29 EDT
 

લંડનઃ વેસ્ટ નોર્ધમ્પ્ટનશાયરના ટોરી કાઉન્સિલર રેમન્ડ કોનોલીની પત્નીની વંશીય ટિપ્પણીઓ અને ઉશ્કેરણી માટે ધરપકડ કરાઇ છે. નોર્ધમ્પ્ટનશાયરમાં ચાઇલ્ડ માઇન્ડર તરીકે કામ કરતી લ્યૂસી કોનોલી પર ફાર રાઇટ ઠગોને માઇગ્રન્ટ્સની હોટલો પર હુમલા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકાયો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે માઇગ્રન્ટ્સના સામુહિક દેશનિકાલની માગ કરતાં લખ્યું હતું કે, જો આમ કહેવાથી મને રેસિસ્ટ ગણવામાં આવતી હોય તો હું રેસિસ્ટ છું. તેણે પોસ્ટ કરી હતી કે માઇગ્રન્ટ્સ માટેની તમામ હોટલો સળગાવી દો અને સામુહિક દેશનિકાલ કરો. કાઉન્સિલર રેમન્ડ  કોલોની વેસ્ટ નોર્ધમ્પ્ટનશાયર કાઉન્સિલની એડલ્ટ સોશિયલ કેર કમિટીના ઉપાધ્યક્ષ છે. સાઉથપોર્ટમાં 3 કિશોરીઓની નિર્મમ હત્યા બાદ તેણે આ પોસ્ટ લખી હતી. બર્મિંગહામ પોલીસે ઘાતક શસ્ત્ર રાખવાના આરોપસર 46 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી.

ફાર રાઇટ ફાંસીવાદીઓની હત્યાનું આહવાન કરનાર લેબર કાઉન્સિલરની ધરપકડ

ડાર્ટફોર્ડ, કેન્ટના લેબર કાઉન્સિલર રિકી જોન્સને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયાં છે. નોર્થ ઇસ્ટ લંડનના વાલ્થમસ્ટો ખાતે આયોજિત દેખાવોમાં હત્યાનું આહવાન કરવાના આરોપસર તેમની ધરપકડ પણ કરાઇ છે. એક વીડિયોમાં રિકી જોન્સને એમ કહેતાં જોઇ શકાય છે કે ફાર રાઇટ ફાંસીવાદીઓના ગળા કાપી નાખવા જોઇએ. તેઓ નાઝી ફાસીવાદીઓ છે અને તેમની હત્યા કરીને તેમનાથી છૂટકારો મેળવવાની જરૂર છે.

સાઉથપોર્ટના હત્યારાની ખોટી ઓળખ પોસ્ટ કરનારી મહિલાની ધરપકડ

સાઉથપોર્ટના હત્યારાની  સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ જાહેર કરનારી 55 વર્ષીય મહિલાની પોલીસે ધરપકડ કરી છે. ચેસ્ટર નજીક રહેતી આ મહિલાની ઉશ્કેરણીજનક બાબતો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે ધરપકડ કરી છે. હાલ તેને ચેસ્ટર પોલીસની કસ્ટડીમાં રખાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter