લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ મુદ્દે ચર્ચા દરમિયાન કથિતપણે વંશીય ટીપ્પણી કરનારા સાંસદ એન મેરી મોરિસને સસ્પેન્ડ કરવા ટોરી પાર્ટીના ચીફ વ્હીપને આદેશ આપ્યો છે. આ મુદ્દે અનેક વિપક્ષી રાજકારણીઓએ રંગભેદનો આક્ષેપ લગાવતા ડેવનમાં ન્યૂટન એબટના સાંસદે માફી માગી હોવાનું પણ કહેવાય છે.
જોકે, આ ટીપ્પણી આઘાતજનક અને અસ્વીકાર્ય હોવાનું જણાવી વડા પ્રધાને મોરિસને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો હતો. હેમ્પસ્ટડ અને કિલ્બર્નના લેબર સાંસદ ટુલિપ સિદ્દિકે ટ્વીટ કરી વડા પ્રધાનને શિસ્તભંગના પગલા લેવાં જણાવ્યું હતું. થેરેસા મેએ બ્રેક્ઝિટને સફળ બનાવવામાં મદદ કરવા લેબર તથા અન્ય રાજકીય પક્ષોને અપીલ કરી છે.
બ્રેક્ઝિટ પછી યુકેસ્થિત ઈયુ નાગરિકોને ‘સેટલ્ડ સ્ટેટસ’ આપવાની વડા પ્રધાનની ઓફર નાગરિકોના અધિકારો કરતા ઘણી ઓછી હોવાની ગણાવાઈ છે. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર ડેમિયન ગ્રીને કહ્યું છે કે યુકેમાં રહેતા ઈયુ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. પાંચ વર્ષથી યુકેમાં રહેતા ઈયુ માઈગ્રન્ટ્સને હેલ્થ, એજ્યુકેશન તેમજ અન્ય બેનિફિટ્સ આપવામાં આવનાર છે. જોકે, વડા પ્રધાને શરત મૂકી છે કે ઈયુ દેશોમાં બ્રિટિશરોને આવા જ મધિકારો મળશે તો જ આ શક્ય બનશે.

