લંડન
વડાપ્રધાન રિશી સુનાકે દેશની દરેક વ્યક્તિને વંશીય ભેદભાવનો સામનો કરવા આહવાન કર્યું છે. બકિંગહામ પેલેસમાં પ્રિન્સ વિલિયમના ગોડ મધર અને સ્વ. મહારાણીના નિકટના મિત્ર ગણાતા લેડી સુસાન હસ્સી દ્વારા એક ચેરિટી એક્ટિવિસ્ટ સાથે કરાયેલા વંશીય ભેદભાવના અહેવાલો બાદ સુનાકે જણાવ્યું હતું કે, આપણે દરેક સ્થળે વંશીય ભેદભાવનો વિરોધ કરવો જોઇએ. વંશીય ભેદભાવના આરોપો બાદ સુસાન હસ્સીને માફી માગી બકિંગહામ પેલેસની કામગીરીમાંથી રાજીનામુ આપવાની ફરજ પડી છે.
બકિંગહામ પેલેસની ટીકા કરવાથી અળગા રહીને સુનાકે જણાવ્યું હતું કે, મેં પણ વંશીય ભેદભાવનો અનુભવ કર્યો છે તેમ છતાં આપણા દેશે વંશીય ભેદભાવ નાબૂદ કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જોકે દેશમાંથી વંશીય ભેદભાવ સંપુર્ણપણે નાબૂદ થઇ શક્યો નથી.
બકિંગહામ પેલેસમાં વંશીય ભેદભાવના વિવાદ પર સુનાકે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં મેં જણાવ્યું છે તેમ મેં પણ મારી જિંદગીમાં વંશીય ભેદભાવનો અનુભવ કર્યો છે. હું બાળક અને યુવાન હતો ત્યારે મારી સાથે પણ વંશીય ભેદભાવ કરાયો હતો પરંતુ હું નથી માનતો કે મારી સાથે આજે વંશીય ભેદભાવ થઇ શકે છે કારણ કે આપણા દેશે વંશીય ભેદભાવ નાબૂદ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જોકે તે હજુ સંપુર્ણપણે નાબૂદ થઇ શક્યો નથી. આપણે જ્યાં પણ વંશીય ભેદભાવ થતો હોય ત્યાં તેનો ઉગ્ર વિરોધ કરવો જોઇએ.


