લંડન
10માંથી 4 વંશીય લઘુમતી કર્મચારીઓ તેમની સંસ્કૃતિને અનુરૂપ ન હોવાના કારણે પોતાના પ્રિયજનોથી કારકિર્દી અંગેના નિર્ણયો સંતાડે છે. એક સરવે અનુસાર એશિયન, અશ્વેત, આરબ સમુદાયો પૈકીના 67 ટકા કર્મચારી પર પરિવાર તરફથી ચોક્કસ પ્રકારની નોકરી સ્વીકારવાનું દબાણ હોય છે. જેની સામે શ્વેત સમુદાયોમાં આ કર્મચારીઓની ટકાવારી ફક્ત 31 ટકા છે. પરિવારજનોના આ દબાણના કારણે વંશીય લઘુમતી સમુદાયના કર્મચારીઓ પર વિપરિત અસર થાય છે. 37 ટકા કર્મચારીનો આત્મવિશ્વાસ ડગી જાય છે અને 40 ટકા કર્મચારી આઝાદી ગુમાવી દીધી હોય તેવું અનુભવે છે.
કન્સલ્ટન્ટ માર્વિન હેરિસન કહે છે કે વંશીય સમુદાયના કર્મચારીઓમાં પેઢીગત સમસ્યાઓ હોય છે. તેમના પર ઉચ્ચ વેતન ધરાવતી અને પરંપરાગત નોકરીઓનું દબાણ કરાતું હોય છે. કારકિર્દી અને નોકરીની પસંદગીમાં ફક્ત પરિવાર દ્વારા જ દબાણ થાય છે તેવું નથી. 47 ટકા વંશીય લઘુમતી કર્મચારીઓ કહે છે કે તેમની સાંસ્કૃતિક પશ્ચાદ ભુમિકાને કારણે તેમની સાથે અન્યાયી વર્તન પણ કરાતું હોય છે. 56 ટકાએ સ્વીકાર્યું હતું કે, નોકરી માટે યોગ્ય ગણાવાના માટે તેમને પોતાની ઓળખ અને વારસાનો ત્યાગ કરવો પડે છે. 32 ટકાએ જણાવ્યું હતું કે, અમારે અમારી એસેન્ટ બદલવાની ફરજ પડી છે તો 28 ટકાએ પોતાની ભોજનની આદત બદલવી પડી છે.
જેની સામે શ્વેત સમુદાયના ફક્ત 15 ટકા કર્મચારીઓને જ આ પ્રકારના કોઇ દબાણનો સામનો કરવો પડે છે. 71 ટકા વંશીય લઘુમતી સમુદાયના કર્મચારીઓનો આરોપ છે કે તેમને એકસમાન નોકરીમાં સમકક્ષ બ્રિટિશ શ્વેત કર્મચારી કરતાં વધુ કામ અને મહેનત કરવા પડે છે. તેમની પાસેથી વધુ કાર્યક્ષમતાની અપેક્ષા રખાય છે. તેમની પાસેથી ઉચ્ચ કામના ધોરણો પ્રમાણે કામ લેવાય છે અને તેમને વધુ કલાકો કામ કરવાની ફરજ પણ પડાય છે.


