વંશીય લઘુમતી કેન્સરના દર્દીઓના જિનેટિક ટેસ્ટિંગમાં સુધારો

એનએચએસનો ક્રાંતિકારી નિર્ણય, વંશીય લઘુમતીના દર્દીઓને સમાન સુરક્ષા પ્રાપ્ત થશે

Tuesday 14th April 2026 10:59 EDT
 
 

લંડન: ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસે ઐતિહાસિક નિર્ણય લેતા હવે અશ્વેત અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિ ધરાવતા હજારો કેન્સર દર્દીઓ માટે ખાસ જિનેટિક ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. અત્યાર સુધી અમલી જિનેટિક ટેસ્ટિંગમાં આ સમુદાયો પ્રત્યે જાણતા-અજાણતા ભેદભાવ થતો હતો, પરંતુ હવે નવી ટેક્નોલોજી તેમને પણ જીવતદાન આપશે.

કેમોથેરાપી શરૂ કરતા પહેલા દર્દીઓનું જિનેટિક ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી જાણી શકાય કે દવાની તેમના શરીર પર કેવી પ્રતિક્રિયા આવશે. કેમોથેરાપીની આડઅસરો ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ઇંગ્લેન્ડમાં દર વર્ષે અંદાજે ૩૮,૦૦૦ દર્દીઓ કેમોથેરાપી લે છે, જેમાંથી ૪૦% દર્દીઓમાં દવાની ગંભીર પ્રતિક્રિયા જોવા મળે છે.

ગયા વર્ષ સુધી, આ જિનેટિક ટેસ્ટ માત્ર DPYD જીનના એવા ચાર વેરિઅન્ટ્સની તપાસ કરતા હતા જે મુખ્યત્વે શ્વેત યુરોપિયન મૂળના લોકોમાં જોવા મળે છે. એનએચએસ હવે સમગ્ર ઇંગ્લેન્ડમાં પાંચમા DPYD જિનેટિક વેરિઅન્ટનું પરીક્ષણ પણ કરી રહી છે. આ ચોક્કસ વેરિઅન્ટ અશ્વેત અને લઘુમતી વંશીય લોકોમાં વધુ જોવા મળે છે. આ ફેરફારથી હવે ક્લિનિકલ સ્તરે સચોટ નિદાન શક્ય બનશે અને દર્દીઓની સુરક્ષાનું ધોરણ તમામ માટે સમાન બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter