વંશીય લઘુમતી ડોક્ટર્સ રેસિઝમનો શિકાર

Wednesday 16th February 2022 05:46 EST
 
 

લંડનઃ બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)ની કાઉન્સિલના વડા ડો. ચાંદ નાગપોલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે NHSમાં વંશીય લઘુમતી ડોક્ટર્સ રેસિઝમનો શિકાર બનતા રહે છે. વંશીય લઘુમતી સમુદાયના ૧૭.૪ ટકા ડોક્ટરોએ તેઓ નિયમિતપણે રંગભેદનો સામનો કરતા હોવાનું જણાવ્યું છે. BMAના સર્વે મુજબ ગત બે વર્ષમાં ૭૫ ટકા વંશીય લઘુમતી સમુદાયના ડોક્ટરોએ એકથી વધુ વખત રેસિઝમનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, NHS દ્વારા જણાવાયું છે કે તેઓ રેસિઝમ મુદ્દે ઝીરો ટોલરન્સનું વલણ ધરાવે છે.

ડો. ચાંદ નાગપોલે બીબીસી સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે રેસિઝમથી પેશન્ટ્સની સાથોસાથ ડોક્ટર્સના કલ્યાણ અને માનસિક આરોગ્યને પણ અસર થાય છે. સામાન્ય વસ્તીના ૧૩.૮ ટકાની સરખામણીએ NHSના ૧૨૩,૦૦૦ ડોક્ટર્સના ૪૦ ટકા લઘુમતી પશ્ચાદભૂમાંથી આવે છે. આવું વૈવિધ્ય. હોવાં છતાં, ડોક્ટરોએ બીબીસીને જણાવ્યું હતું કે સમગ્ર યુકેમાં NHS ટ્રસ્ટોમાં ‘અમે વિરુદ્ધ તમે’નું ઝેરી વાતાવરણ પ્રવર્તે છે. આમાં, સાથીઓ દ્વારા બનાવટી કે અયોગ્ય ફરિયાદો, વડાઓ દ્વારા રેસિસ્ટ ચીપ્પણીઓ તેમજ કામકાજના સ્થળે શારીરિક હુમલાનો પણ સમાવેશ થાય છે.

કામના સ્થળે રેસિઝમનો સામનો કરનારામાંથી ૭૦ ટકાએ ફરિયાદ કરી ન હતી. ઘણા ડોક્ટરોએ ફરિયાદો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેની તપાસ કરાયા વિના જ અવગણના કે અભરાઈએ ચડાવી દેવાઈ હતી. ટ્રેઈની કે જુનિયર ડોક્ટર્સને પેશન્ટ્સ કે અન્યોની સામે ખખડાવી નાખવા કે ઉતારી પાડવા કે દેશભેગા થઈ જવાની સલાહ આપવી સામાન્ય થઈ પડી છે. આની અસર ડોક્ટર્સની કારકિર્દી પર પણ થતી હોય છે.

BMAના સર્વેમાં ૨૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેના પ્રતિભાવમાં NHSના મેડિકલ ડાયરેક્ટર ઓફ પ્રાઈમરી કેર ડો. નિક્કી કાનાણીએ કહ્યું હતું કે કોઈએ પણ કોઈ પણ પ્રકારના રેસિઝમ અને ભેદભાવને સહન કરવા ન જોઈએ. આ સર્વે NHSમાં રેસિઝમ અંગે વ્યાપક રિપોર્ટમાં એપ્રિલમાં સમાવી લેવાશે અને રેસિઝમની સમસ્યા ઉકેલવા BMAદ્વારા સૂચનો પણ કરવામાં આવશે.

NHSમાં રેસિઝમના આંકડા

૭૬.૫ ટકા - ડોક્ટરોએ ગત બે વર્ષમાં કામના સ્થળે રેસિઝમનો અનુભવ કર્યો છે.

૧૭.૪ ટકા - નિયમિતપણે રેસિઝમનો અનુભવ

૨૦.૦ ટકા - પેશન્ટ્સ દ્વારા રંગભેદી અનુભવ

૭૧.૦ ટકા - ડોક્ટરોએ ભય અથવા નિષ્પક્ષ તપાસનો વિશ્વાસ ન હોવાથી ફરિયાદ કરી નહિ

૧૯.૪ ટકા - ડોક્ટર્સે રેસિઝમના કારણે નોકરી છોડવાનું વિચાર્યું અથવા છોડી દીધી

૬૦.૦ ટકા - ડોક્ટરોએ કામના સ્થળે રેસિઝમથી સ્વાસ્થ્ય અને માનસિક આરોગ્યને અસર થયાનું જણાવ્યું

સ્રોતઃ બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter