લંડનઃ સમગ્ર ઇંગ્લેન્ડમાં વંશીય લઘુમતી બહુલ વિસ્તારોમાં જીપીની સંખ્યા ઘણી ઓછી છે. નિષ્ણાતોએ આના માટે ફંડિંગ નક્કી કરવા માટેના જરીપુરાણા મોડેલને જવાબદાર ગણાવ્યું છે. ઓક્ટોબર 2023 સુધીના આંકડા પ્રમાણે વંશીય લઘુમતી સમુદાયના લોકોની વસતી વધુ છે તેવા વિસ્તારોમાં પ્રતિ એક લાખની વસતીએ 34 ફૂલટાઇમ જીપી ઉપલબ્ધ છે જેની સામે શ્વેત બહુલ વિસ્તારોમાં પ્રતિ એક લાખની વસતીએ 48 જનરલ પ્રેકટિશનર ઉપલબ્ધ છે.
આમ તો વંશીય લઘુમતી સમુદાયોમાં શ્વેત લોકો કરતાં યુવાઓની સંખ્યા વધુ છે તેમ છતાં ઉંમર, લિંગ અને આરોગ્ય જરૂરીયાતો જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે તો વંશીય લઘુમતી સમુદાય બહુલ વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ જીપીની સંખ્યા સૌથી ઓછી છે.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર મિકદાદ અસારિયા કહે છે કે આ બાબત ઘણી ચિંતાજનક છે. જીપીની અછત આરોગ્ય અસમાનતાઓમાં વધારો કરી શકે છે. રોગો અટકાવવા અને નિયંત્રિત કરવા માટે પ્રાથમિક સારવાર ઘણી અગત્યની છે.
નિષ્ણાતો કહે છે કે આ પ્રકારની અસમાનતા કાર્ર-હિલ ફોર્મ્યુલાના કારણે છે. તેના દ્વારા નક્કી કરવામાં આવે છે કે જીપીને પ્રતિ દર્દી કેટલા નાણાની ફાળવણી કરવામાં આવે.


