વંશીય લઘુમતી યોગ્ય નેતૃત્વ પર આધારિત છે.

બ્રિટિશ એશિયન્સને વેક્સિન લેવા અનુરોધ અને અગ્રણીઓને વધુ સતર્ક અને જવાબદાર બનવા ડો. હરી શુક્લની સલાહ.

- રુપાંજના દત્તા Tuesday 16th February 2021 16:09 EST
 
 

રેસ રિલેશન હીરો ડો. હરી શુક્લ ક્વિન દ્વારા સતત સન્માન મેળવનારા અને નોર્ધનર્સમાં ખૂબ જાણીતો ચહેરો છે. ચાર સંતાનોના પિતા અને નવ ગ્રાન્ડચીલ્ડ્રનના ૮૭ વર્ષીય દાદાએ તેમના જીવનનો મોટાભાગનો હિસ્સો ટાઈન એન્ડ વેર રેસિયલ ઈક્વિટી કાઉન્સિલને સમર્પિત કર્યો છે. ગઈ ૮ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ તેઓ તેમના પત્ની રંજનબેન સાથે કોરોના વાઈરસ વેક્સિન મેળવનારા પ્રથમ એશિયન બન્યા હતા.

ડો. હરી શુક્લ કમ્પાલાની સ્કૂલમાં ભણ્યા હતા અને કેન્યામાં તેમનું ટીચર્સ સર્ટિફિકેટ મેળવ્યું હતું. ત્યારબાદ એક્સેટર યુનિવર્સિટી ખાતેથી તેમણે તેમનું સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન મેળવ્યું હતું અને બાળકોને ભણાવવા માટે તેઓ કેન્યા પાછા ફર્યા હતા. સ્કન્થોર્પમાં તેમને પહેલી નોકરી રેસ રિલેશનમાં મળી હતી. ૧૯૭૪માં તેઓ ન્યૂકેસલ પહોંચ્યા હતા. ત્યાં તેમને પાછળથી ટાઈન એન્ડ વેર રેસિયલ ઈક્વિટી કાઉન્સિલના ડિરેક્ટરની જોબ મળી હતી.

તેમને રેસ રિલેશન્સમાં કામ કરવા બદલ અને કોમ્યુનિટીઝને એકસાથે લાવવાના પ્રયાસો બદલ MBE, OBE અને CBEનું સન્માન મળ્યું છે. તેમણે ‘ધ આર્ટ ઓફ લિવીંગ’ પુસ્તકમાં તેમના બાળપણ, શિક્ષણ અને કાર્યોની વાત કરી છે. ૨૦૨૧ તરફ આગળ વધીએ તો ડો. શુક્લ કોરોના વાઈરસ અંગે ખોટી માહિતીની સામે લડત દ્વારા કોમ્યુનિટીને મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

‘ગુજરાત સમાચાર’/‘એશિયન વોઈસ’ને આપેલી વિશેષ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે હાલના બ્રિટનમાં એશિયનોને આગળ આવવા અને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં નેતૃત્વ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

પ્રશ્રઃ ડો. શુક્લ, યુકેમાં તમે તમારા પત્ની સાથે વેક્સિન મેળવનારા પ્રથમ એશિયન પુરુષ છો. કોમ્યુનિટીને તમે શું સંદેશ આપવા માગો છો ?

ગઈ ૮ ડિસેમ્બરથી અમને કોઈ સાઈડ ઈફેક્ટ (આડ અસર) થઈ છે કે કેમ તે જાણવા માટે

લોકો સતત ફોન કરી રહ્યા છે. અમે અમારો વેક્સિનનો બીજો ડોઝ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ લીધો. અમને કોઈ પણ સાઈડ ઈફેક્ટ થઈ નથી. હોસ્પિટલ સ્ટાફ પણ સતત અમારી સ્થિતિ જાણવા માટે ફોન કરે છે.

નોર્થ ઈસ્ટ અને કુમ્બ્રિયામાં ૧૨,૦૦૦ હિંદુઓ છે અને તેટલી જ સંખ્યામાં શીખો અને ઘણાં ચાઈનીઝ વડીલો છે. હું નોર્થ ઈસ્ટ ચાઈનીઝ વસતિનો માનદ ચેર છું. અમે વેકિસનેશનની સકારાત્મક બાબતો વિશે કેમ્પેઈન ચલાવી રહ્યા છીએ અને કોઈએ પણ તેમાં વાંધો ઉઠાવ્યો નથી.

અમારા વિસ્તારમાં લોકો મેડિકલ જ્ઞાન સાથેની વાત સાંભળે છે અને ખોટી માહિતીની અવગણના કરે છે. અલબત્ત, હજુ ઘણું કામ બાકી છે. જે લોકોને વેક્સિન અંગે થોડોક પણ ગભરાટ છે તેમને આ તક ચૂકવી ન જોઈએ તે સમજાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ..

પ્રશ્રઃ કોમ્યુનિટીના લોકો વેક્સિન લે તેના માટે નેતૃત્વ કેટલું મહત્ત્વનું છે ?

આપણા સૌમાં એક અજાણ્યો ડર છે. વંશીય લઘુમતી સમુદાયો યોગ્ય નેતૃત્વ પર આધાર રાખે છે. વડા (લીડર) જેમ કહે તેમ તેઓ કરે છે કારણ કે તેમને તેમનામાં વિશ્વાસ હોય છે. વડાઓને લોકલ ઓથોરિટીઝ સાથે સંબંધ હોય છે. પરંતુ, સામાન્ય લોકોને તેવા સંબંધ હોતા નથી.

સલામતી માટે વૈજ્ઞાનિકો, મેડિકલ હેલ્થ પ્રોફેશનલ્સની વાત સાંભળવી મહત્ત્વનું છે. લોકો વેક્સિન નહીં લે તો કોમ્યુનિટીમાં ડોમીનો ઈફેક્ટ ઉભી થશે.

મેં નોર્થ ઈસ્ટમાં છેલ્લાં ૪૫ વર્ષથી તમામ કોમ્યુનિટી સાથે કામ કર્યું છે. ત્યાં ભારતીયો સહિત ૧૪૦ રાષ્ટ્રીયતા છે. અહીં સ્થાયી થવામાં મેં તેમને શરૂઆતથી મદદ કરી છે અને તેમને મારા પર વિશ્વાસ છે. મેં તેમને કહ્યું હતું કે મને સહેજ પણ શંકા હોત તો મેં આ વેક્સિન લીધી જ ન હોત. હું રિટાયર્ડ છું તે છતાં લોકો મારી સલાહને ધ્યાનમાં લે છે.

આપણે જે કંઈ કહીએ તેના વિશે આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ તે આપણે યાદ રાખવું જ જોઈએ. હું લોકોને સતત ફોન કરીને યાદ કરાવું છું, વડીલોને પ્રોત્સાહિત કરું છું, ખાસ કરીને જે લોકો આ સિસ્ટમ નથી સમજતા તેમને સેન્ટર પર જવા અને વેકિસન લેવા માટે કહું છું. વાઈરસ સામે લડવાનો આ જ એક માર્ગ છે.

પ્રશ્રઃ શું તમે માનો છો કે ભાષાની સમસ્યાને લીધે લોકો વેક્સિન લેતાં અટકે અથવા તો ડરે ?

ઘણી વખત ચાઈનીઝ અને એશિયન કોમ્યુનિટીના વડીલો ઈંગ્લિશ બોલતા નથી હોતા. તેમને મદદ જોઈએ અને જે લોકો વેક્સિનેશનના મહત્ત્વ વિશે જાણતા હોય તેમની પાસેથી તેઓ સલાહ મેળવે છે. જેમને કોઈ ખ્યાલ જ નથી હોતો તેઓ ખોટી માહિતીને લીધે અન્ય લોકોને ગભરાવે છે. તેથી સલાહ આપનારા લોકોએ પણ ખાસ કાળજી રાખવી જ જોઈએ.

પ્રશ્રઃ શું તમે માનો છો કે સંસ્થાગત રંગભેદને લીધે પૂર્વગ્રહ અથવા અવિશ્વાસ ફેલાય છે ?

કેટલાંક વિસ્તારોમાં હજુ પણ રંગભેદ અસ્તિત્વમાં છે અને લોકો ખોટી માહિતી આપીને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે અને ગભરાવે છે. આપણે નિષ્ઠાવાન અને મદદરૂપ થતાં લોકોની વાત સાંભળવી જોઈએ.

પ્રશ્રઃ બ્રિટનમાં રેસ-રિલેશનનો ઉદભવ તમે જોયો છે. તમે માનો છો કે તેમાં ખરેખર પ્રગતિ થઈ છે ?

ન્યૂ કેસલમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ઘણો વંશીય પૂર્વગ્રહ હતો. ૧૯૭૪માં મેં જ્યારે કામ શરૂ કર્યું ત્યારે બહુસાંસ્કૃતિક સમાજને એક સમસ્યા ગણવામાં આવતો. મારે એક પછી એક લોકોને સમજાવવા પડ્યા કે દરેકને પોતાની ભૂમિકા ભજવવાની હોય છે અને દરેક વ્યક્તિ સમુદાયનો હિસ્સો છે. શરૂઆતના ત્રણ વર્ષ ખૂબ કપરા રહ્યા અને લોકો મારા મોંએ કહેતા કે અમારે અહીં રેસ રિલેશન્સની જરૂર નથી, તમે તમારા ઘેર જાવ. પરંતુ, યુનિવર્સિટીઓ, પોલીસ, કાઉન્સિલો અને હેલ્થ સર્વિસ સાથે દાયકાઓ સુધી કામ કર્યા પછી પરિવર્તન આવ્યું.

હું રિટાયર થયો તે પહેલા મેં ૧૦૦ કંપનીઓને આમંત્રણ આપ્યું અને તેમને પૂછ્યું કે શું તેઓ રેસ ઈક્વાલિટીને સપોર્ટ કરશે. તો તેમણે સપોર્ટ આપ્યો, એટલું જ નહીં તેમણે અન્ય લોકોને પણ તેના માટે પ્રોત્સાહિત કર્યા. અમારા વિસ્તારમાં રોજગારી અને ઈક્વાલિટીમાં સુધારો થયો છે. દરેક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મલ્ટિ ફેથ પ્રોગ્રામ્સ હોય છે. અહીં અને ત્યાં વ્યક્તિગત સમસ્યાઓ હોઈ શકે. પરંતુ, તે કોમ્યુનિટીની સમસ્યા નથી.

આપણી કોમ્યુનિટીના લોકોએ ખૂબ યોગદાન આપ્યું છે અને અન્ય લોકો તેમને માન આપે છે. પરંતુ, લોકોને પ્રેરણા પૂરી પાડવા અને દરેકે કરેલા પ્રયત્ન બદલ તેમનો આભાર માનવા માટે રેસરિલેશનનું કામ દરરોજ થવું જોઈએ. આ બાબત જટિલ છે અને આપણે ધીરજ રાખવી જોઈએ.

આપણે નવાંગતુકોને આવકારવા જોઈએ. તેમને એ સમજ આપવી જોઈએ કે તેઓ બ્રિટન આવવા માગતા હતા એટલે અહીં છે અને કોઈએ તેમને અહીં આવવા માટે ફરજ પાડી એટલે તેઓ અહીં નથી. તેમણે અલગ બેસી રહેવું ન જોઈએ પણ આગળ આવવું જોઈએ. જવાબદાર બનવું જોઈએ અને કોમ્યુનિટી સાથે સંકળાવું જોઈએ. એક વખત તેઓ કોમ્યુનિટીમાં તેમનું કામ શરૂ કરશે તો અન્યોને પણ થશે કે ઈમિગ્રન્ટ્સ સમાજના તાણાવાણાને વધુ મજબૂત કરવા માટે અને ગરિમાપૂર્ણ જીવન જીવવા માટે અહીં આવ્યા છે.

પ્રશ્રઃ શું તમે માનો છો કે ઈમિગ્રન્ટ્સે હજુ વધુ સારી રીતે સંગઠિત થવાની જરૂર છે ?

આ બે માર્ગી પ્રક્રિયા છે. ઈમિગ્રન્ટ્સ અહીંની આપણી જીવનશૈલીથી પરિચિત થાય તે માટે આપણે તેમને મદદ કરવી જોઈએ. પરંતુ, તેમના માટે મહત્ત્વનું એ છે કે તેમને નવા નિયમો શીખવાની ઈચ્છા હોવી જોઈએ. આપણે તેમનો હાથ પકડવો જોઈએ પરંતુ તેમણે પણ કોઈ નહીં સ્વીકારે તેવો ડર કાઢી નાંખીને પોતાનો વિશ્વાસ દ્રઢ કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter