લંડન
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આંકડા અનુસાર પહેલીવાર લંડનમાં શ્વેત વસતી લઘુમતીમાં મૂકાઇ ગઇ છે. કેટલાક રૂઢિચુસ્તો દ્વારા આ આંકડાનો ઉપયોગ સમુદાયોને વિભાજિત કરવા થઇ રહ્યો છે પરંતુ કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા જારી કરાયેલા નવા વર્ષના સન્માનની યાદી દર્શાવે છે કે બ્રિટનના વંશીય લઘુમતી સમુદાયો કેવી રીતે દેશના નિર્માણમાં નેતૃત્વ કરી રહ્યાં છે.
યહૂદીઓ પ્રત્યે ધૃણામાં વધારો છતાં ચીફ રાબ્બી એફ્રાઇમ મિરવિસ તમામ સમુદાયો વચ્ચેના સંબંધોમાં અર્થપૂર્ણ સેતૂની ભુમિકા ભજવી રહ્યાં છે. તેમણે મુસ્લિમ સમુદાયોમાં સન્માન પ્રાપ્ત કર્યું છે. કિંગ ચાર્લ્સ દ્વારા તેમને નાઇટહૂડનું સન્માન અપાયું છે.
બ્રિટનનો અશ્વેત સમુદાય ઘણા પક્ષપાતનો સામનો કરી રહ્યો છે. ડેવિડ કોનોટે અહુલુહાસે શરૂ કરેલા પ્રોજેક્ટે લંડન શહેરમાં મોટો બદલાવ આણ્યો છે. 600 કરતાં વધુ કંપની સાથે કામ કરીને તેમણે 2000 કરતાં વધુ અશ્વેત યુવાઓને નોકરી અપાવી છે. ડેવિડ કોનોટે સીબીઇ પોતાની સફળતાનો ઉપયોગ અન્યોના જીવનો બદલવામાં કરી રહ્યાં છે.
રોસમુંડ કિસ્સી દેબ્રાહે તેમની 9 વર્ષની દીકરી ઇલાના નિધનને હકારાત્મક પ્રવૃતિ બનાવી દીધી હતી. તેમના દ્વારા કરાયેલા કાર્યોને પગલે સરકારને પર્યાવરણના કાયદાઓમાં મોટા બદલાવ કરવાની ફરજ પડી છે. હવાના પ્રદૂષણ સામે તેમના દ્વારા ઘણી જાગૃતિ ફેલાવવામાં આવી છે. તેમને પણ સીબીઇનો ખિતાબ એનાયત કરાયો છે.
એફ્રાઇમ, ડેવિડ અને રોસમુંડ તો વંશીય સમુદાયના ફક્ત 3 ઉદાહરણ છે. વંશીય સમુદાયના લોકો સમુદાયોને એકજૂથ કરવા અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા કામ કરી રહ્યાં છે.

