લંડનઃ લંડનમાં મુસ્લિમ અને અન્ય વંશીય લઘુમતી સમુદાયની મહિલાઓએ હિંસા અને વંશીય હુમલાઓ સામે આત્મરક્ષણ માટે પોતાને સજ્જ કરવાનું શરૂ કરી દીધું છે. માયા હસન દ્વારા લંડન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આ સેલ્ફ ડિફેન્સ ક્લાસનું આયોજન કરાયું હતું જેમાં 30 મહિલા સામેલ થઇ હતી.
માયા હસન માર્શલ આર્ટ એક્સપર્ટ છે. તેઓ કહે છે કે હું વંશીય લઘુમતી સમુદાયોની મહિલાઓને આત્મરક્ષણ કેવી રીતે કરવું તે શીખવામાં મદદ કરવા ઇચ્છું છું. તેનાથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે. સામાજિક રીતે કેવી રીતે સજાગ રહેવું અને ખરાબ સ્થિતિમાંથી કેવી રીતે બચી નીકળવું તે અંગેના પાઠ મહિલાઓને શીખવવામાં આવે છે.
માર્શલ આર્ટ ઇન્સ્ટ્રક્ટર સ્ટુઅર્ટ મેકગીલે જણાવ્યું હતું કે, યુકેમાં હિંસાનો પ્રારંભ થયો છે ત્યારથી અમારા ક્લાસમાં મહિલાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમે મહિલાઓને પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે શિક્ષણ આપી રહ્યાં છીએ. ક્લાસમાં ભાગ લેનાર એલ્ઝા અન્નાન નામની મહિલા કહે છે કે આનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
બ્રિટિશ ફ્યુચર થિન્ક ટેન્કના ડિરેક્ટર સુંદર કાટવાલા કહે છે કે આ ઘણું સારું છે. બ્રિટન આત્મવિશ્વાસ ધરાવતી વંશીય સમુદાયોથી સભર લોકશાહી છે.


