લંડનઃ સેન્ટેન્સિંગ કાઉન્સિલે ગયા સપ્તાહમાં અદાલતો માટે સસ્પેન્ડ જેલ ટાઇમ સહિત કોમ્યુનિટી અને કસ્ટોડિયલ સજા આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી માર્ગદર્શિકા જારી કરી હતી. એપ્રિલથી અમલમાં આવી રહેલી નવી માર્ગદર્શિકા અનુસાર વંશીય, સાંસ્કૃતિક અને ધાર્મિક લઘુમતી સમુદાયના આરોપીને સજા આપતા પહેલાં પ્રિ-સેન્ટેન્સ રિપોર્ટ જરૂરી બનશે. 18થી 25ની વયજૂથના યુવા, મહિલા અને ગર્ભવતી મહિલા અને ટ્રાન્સજેન્ડર આરોપી માટે પણ આ જોગવાઇ લાગુ થશે.
સ્વતંત્ર સંસ્થાએ જણાવ્યું હતું કે સજા પહેલાના અહેવાલોની "નિર્ણાયક ભૂમિકા" પર હવે વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ન્યાયાધીશોએ સજાના નિર્ણયો પહેલાં માહિતી ક્યારે સંકલિત કરવાની વિનંતી કરવી જોઈએ તેના પર વધુ વિગતવાર ધ્યાન આપવામાં આવ્યું છે. આમાં ગુનાના સંજોગો અને ગુનેગાર વિશેની વિગતો શામેલ છે.
શેડો જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ જેનરિકે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, નવી માર્ગદર્શિકા વંશીય, સાંસ્કૃતિક અને ધાર્મિક લઘુમતી સમુદાયના અપરાધીઓને કસ્ટોડિયલ સેન્ટેન્સની સંભાવનાઓ ઘટાડી દેશે. જસ્ટિસ સેક્રેટરી શા માટે ટુ ટાયર સેન્ટેન્સિંગ માટે બેવડું વલણ અપનાવી રહ્યાં છે. આ કાયદાના શાસનની વિરુદ્ધ છે. કાયદાની સામે તમામ સમાન છે તેમ લેબર સરકાર કેમ સ્વીકારતી નથી.
જવાબમાં લોર્ડ ચાન્સેલર શબાના માહમૂદે જણાવ્યું હતું કે, અમારી સરકારના શાસનમાં ક્યારેટ ટુ ટાયર સેન્ટેન્સિંગનો અભિગમ રહેશે નહીં. હું પોતે વંશીય લઘુમતી સમુદાયમાંથી આવું છું અને કાયદામાં કોઇપણ વ્યક્તિ માટે કોઇપણ પક્ષપાત કરાય તેની હિમાયત કરતી નથી. જો કે સેન્ટેન્સિંગ કમિટીએ શબાના માહમૂદની અપીલ ફગાવી દીધી હતી.
જસ્ટિસ સેક્રેટરી ન્યાયાધીશો માટે નવી માગદર્શિકાનો વિરોધ કરી રહ્યાં છે. શબાના માહમૂદે જણાવ્યું હતું કે, મને નવી માર્ગદર્શિકા અંગે કોઇ જાણકારી નથી. હું તેને પાછી ખેંચવા વિનંતી કરીશ. સેન્ટેન્સિંગ કાઉન્સિલ સ્વતંત્ર સંસ્થા છે. તેના દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અમારી સરકારના મંતવ્ય નથી. હું તેને પાછી ખેંચવા કાઉન્સિલને જણાવીશ.