વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓના આદાન પ્રદાન માટે ભારત અને યુકે વચ્ચે એમઓયુ

ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લેન્ડના કાયદાકીય નિષ્ણાતો પાસેથી તાલીમની તક મળશે

Tuesday 06th June 2023 13:00 EDT
 
 

લંડનઃ એકબીજાના ન્યાયક્ષેત્રને સારી રીતે સમજવા અને તાલીમ માટે વકીલો અને કાયદાના વિદ્યાર્થીઓના આદાન પ્રદાન માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બાર કાઉન્સિલ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ, લો સોસાયટી ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં છે. એમઓયુ અંતર્ગત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય કાયદા કંપનીઓ, ગૂડ લો ઓફિસ અને ઇંગ્લિશ લો કોર્ટમાં તાલીમ અને અભ્યાસ માટે તકો ઉપલબ્ધ કરાવવા લો સોસાયટી અને બાર કાઉન્સિલ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સને ભારતીય યુવા વકીલોની ભલામણ કરવાનો અધિકાર અપાયો છે. જોકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભલામણ કરાયેલા વકીલોને યુકેમાં પ્રેકટિસ કરવાનો અધિકાર મળશે નહીં.

આ એમઓયુનો મૂળ હેતૂ એકબીજાના જ્યુરિડિક્શનમાં તાલીમ અને અનુભવની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. તેવી જ રીતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ભલામણ કરાયેલા પસંદગીના કાયદાના વિદ્યાર્થીઓને યુકેની બાર કાઉન્સિલોમાં ઇન્ટર્નશિપ કરવાની પરવાનગી અપાશે. તેવી જ રીતે ઇંગ્લેન્ડ અને વેલ્સના સોલિસિટર અને બેરિસ્ટરને ભારતમાં તાલીમની તકો અપાશે. જોકે તેઓ પણ ભારતમાં કોઇપણ પ્રકારની કાયદાકીય પ્રેકટિસ કરી શકશે નહીં.

બાર કાઉન્સિલના ચેરમેન મનન મિશ્રાએ જણાવ્યું હતું કે, આ એમઓયુના પગલે બંને દેશ કાયદાકીય કુશળતા, તાલીમ અને વિચારોનું આદાન પ્રદાન કરી શકશે જેનો ભારતીય વકીલોને લાભ થશે. ભારતીય વકીલો આંતરરાષ્ટ્રીય લવાદ પ્રક્રિયાના ક્ષેત્રમાં કુશળતા હાંસલ થશે. તેઓ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કાયદા કંપનીઓની ઓફિસની મુલાકાત કરી શકશે. જાણીતા સોલિસિટર અને બેરિસ્ટરોનું માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter