વડા પ્રધાન થેરેસા પૂર્વ ચાન્સેલર ઓસ્બોર્નને ઉમરાવપદ નહિ આપે

Wednesday 24th January 2018 05:48 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નને ઉમરાવપદ ઓફર કર્યું નથી. આના કારણે, ઓસ્બોર્ન ૫૦ વર્ષના ગાળામાં ઉમરાવપદ ઓફર નહિ કરાનારા પ્રથમ પૂર્વ ચાન્સેલર બનશે. થેરેસા મેએ તેમની કેબિનેટમાં સ્થાન ન આપ્યા પછી તેમની અને ઓસ્બોર્ન વચ્ચે ચાલતું શીતયુદ્ધ ફરી પ્રગટે તેવા એંધાણ છે. મોટા ભાગે દરેક પૂર્વ કેબિનેટ મિનિસ્ટરને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાનની તક અપાય છે પરંતુ, વડા પ્રધાન મે આ પરંપરાની અવગણના કરવાના મૂડમાં છે.

જોકે, ઓસ્બોર્ને પોતાના સાથીઓને એમ કહ્યાનું મનાય છે કે તેમણે ઉમરાવપદ માગ્યું નથી કે તેઓ લોર્ડ બનવા ઈચ્છતા નથી. થેરેસા મે જુલાઈ ૨૦૧૬માં વડા પ્રધાન બન્યાં ત્યારે તેમણે કેબિનેટમાંથી ઓસ્બોર્નની હકાલપટ્ટી કરી હતી. ઓસ્બોર્ન માર્ચ મહિનામાં ઈવનિંગ સ્ટાન્ડર્ડમાં સર્વેસર્વા બન્યા પછી તેમણે વડા પ્રધાન સામે દૈનિક આક્રમણ લોન્ચ કરતા બન્ને વચ્ચે યુદ્ધ તીવ્ર બન્યું હતું. સપ્ટેમ્બરમાં ઓસ્બોર્ને એમ કહ્યાનું મનાય છે કે તેઓ મિસિસ મે સામે હુમલા કરવાનું છોડશે નહિ. મેને ફ્રીઝરમાં ધકેલવાની ટીપ્પણી પછી થોડા જ દિવસમાં ઓસ્બોર્ને વધુ કડક શબ્દો બોલ્યાનું સ્વીકારી સંધિ માટે હાથ લંબાવ્યો હોવાનું પણ કહેવાય છે.

ગયા વર્ષે સાંસદપદ છોડનારા સર એરિક પિકલ્સ અને પીટર લિલીને તેમજ કેબિનેટમાં નહિ રહેલા પૂર્વ સોલિસીટર જનરલ એડવર્ડ ગાર્નીએરને ઉમરાવપદ ઓફર કરાયું છે. નવા લોર્ડ્સની સત્તાવાર યાદી આ મહિનાના અંતે જાહેર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter