લંડનઃ વડા પ્રધાન થેરેસા મે દ્વારા સુધારેલા ત્રણ લીગલ ડોક્યુમેન્ટ્સ સાથેની વિથ્ડ્રોઅલ સમજૂતીનો પણ આખરે પરાજય થયો છે, જેનું મુખ્ય કારણ આઈરિશ બેકસ્ટોપનો વિવાદિત મુદ્દો અને એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સની લીગલ એડવાઈઝનો રહ્યો હતો. મંગળવાર, ૧૨ માર્ચની રાત્રે યોજાએલાં મતદાનમાં થેરેસા ડીલની તરફેણમાં ૨૪૨ અને વિરુદ્ધમાં ૩૯૧ મત પડ્યા હતાં. હવે બુધવારે રાત્રે ‘નો-ડીલ’ના સંજોગોમાં સરકાર આઈરિશ બોર્ડર મુદ્દે કેવું વલણ અપનાવશે તેની યોજના કોમન્સમાં મૂકવામાં આવશે. મિનિસ્ટર્સ દ્વારા સીક્રેટ ટેરિફ્સ તેમજ આઈરિશ બોર્ડર પ્લાન્સ રજૂ કરવામાં આવશે, જેના પર કોમન્સમાં ફરી મતદાન યોજાશે.ઈયુ સાથે સમજૂતી થાય અથવા પાર્લામેન્ટ ગુરુવાર, ૧૪ માર્ચે આર્ટિકલ-૫૦ અન્વયચે બ્રેક્ઝિટ પ્રક્રિયા લંબાવવા મતદાનથી બહાલી આપે તે સિવાય યુકે ૨૯ માર્ચે ઈયુમાંથી બહાર નીકળી જશે. આ સ્થિતિમાં કઈ આયાતો પર ટેક્સ લાગી શકે તેની જાહેરાત પણ બુધવારની દરખાસ્તમાં કરવામાં આવશે. વડા પ્રધાન થેરેસા મે છેલ્લી ઘડીએ આઈરિશ બેકસ્ટોપ મુદ્દે સમજૂતીમાં કાનૂની રીતે બંધનકર્તા નીવડે તેવા ફેરફારો કરી શકાય તેવો વિજય યુરોપિયન યુનિયન પાસેથી મેળવવામાં સફળ નીવડ્યાં હતાં. જોકે, એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સે લીગલ એડવાઈઝમાં વડા પ્રધાન થેરેસાની નવી સુધારાયેલી બ્રેક્ઝિટ સમજૂતીને મોટો ફટકો આપતા તેના પર પણ પરાજયના કાળાં વાદળ ઘેરાયાં હતાં.
એટર્ની જનરલ કોક્સે જણાવ્યું હતું કે નવા ડોક્યુમેન્ટ્સ છતાં આઈરિશ બેકસ્ટોપ થકી યુકે હંમેશા માટે ઈયુ નિયમોમાં જકડાયેલું રહે તેવી પરિસ્થિતિ બદલાતી નથી. ટોરી પાર્ટીને સત્તામાં ટેકો આપનારી પાર્ટી ડીયુપીના નેતા આર્લેન ફોસ્ટર અને યુરોપિયન રિસર્ચ ગ્રૂપ (ERG)ના અગ્રણી જેકોબ રીસ-મોગે વડા પ્રધાન થેરેસા મેની સમજૂતીને સમર્થન નહિ આપવા જાહેરાત કરી છે. બીજી તરફ, કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ મતદાન માટે મૂકાયેલા પ્રસ્તાવમાં કોઈ સુધારા સામેલ નહિ કરવાનો ચુકાદો આપ્યો છે. હવે ૧૨ માર્ચ મંગળવારની રાત્રે નવી સુધારાયેલી સમજૂતી હાઉસ ઓફ કોમન્સ સમક્ષ મતદાન માટે રજૂ કરવામાં આવી હતી. થેરેસા મેએ ઈયુ પ્રેસિડેન્ટ જીન-ક્લૌડ જુન્કર, ઈયુ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્ક અને ઈયુ નેગોશિયેટર માઈકલ બર્નિએર સાથે સોમવારે રાત્રે સ્ટ્રાસબર્ગમાં લંબાણ ચર્ચાઓ કર્યા પછી ઈયુ નેતાઓ યુકેની માગણી સાથે અંશતઃ સંમત થયા હતા. આઈરિશ બોર્ડર બેકસ્ટોપ અંગે નવા ત્રણ ડોક્યુમેન્ટ હશે.
એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સે લીગલ એડવાઈસમાં વડા પ્રધાન થેરેસાની નવી સુધારાયેલી બ્રેક્ઝિટ સમજૂતીને મોટો ફટકો આપ્યો છે. તેમણે નિવેદનમાં કહ્યું હતું કે નવી છૂટછાટો બ્રિટનને બેકસ્ટોપમાં અમર્યાદિત અને અનિચ્છાએ પણ બાંધી રાખવાના જોખમને થોડાં પ્રમાણમાં ઘટાડે છે છતાં નવી ચર્ચાના પરિણામે તેમની યોજનાથી ઈયુ બ્રિટનને સકંજામાં રાખે તેવી સ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો નથી. વડા પ્રધાન મેએ પોતાની નવી સમજૂતીનો પ્રસ્તાવ હાઉસ ઓફ કોમન્સ સમક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે આજે રાત્રે આ ગૃહના સભ્યો સમક્ષ સ્પષ્ટ પસંદગી કરવાનો સમય છે. આ પ્રસ્તાવને સમર્થન આપવું, જેના પરિણામે આપણે સમજૂતી સાતે ઈયુમાંથી બહાર નીકળી શકીશું અથવા નો ડીલનું જોખમ ઉઠાવવું. પ્રસ્તાવને સમર્થન નહિ મળે તો કદી બ્રેક્ઝિટ થશે નહિ.’
બળવાખોર ટોરી બ્રેક્ઝિટીઅર્સ અને નોર્ધર્ન આઈરિશ ડીયુપી પાર્ટીએ એટર્ની જનરલ કોક્સની લીગલ એડવાઈઝના આધારે મત આપવાનું જાહેર કર્યું હતું. હવે કોક્સની એડવાઈઝ થેરેસા મેને મતદાનમાં લાભ કરી આપે તેવી નથી. બીજી તરફ, લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને વડા પ્રધાનની આખરી ચર્ચાઓને તદ્દન નિષ્ફળ ગણાવી સાંસદોને સમજૂતીને ફગાવી દેવા જણાવ્યું છે.
બ્રિટનને ત્રીજી તક નહિ અપાયઃ જુન્કર
સોમવારે રાત્રે થેરેસા મે સાથેની પત્રકાર પરિષદમાં જુન્કરે બ્રિટિશ સાંસદોને ચેતવણી આપી હતી કે જો મંગળવારની રાત્રે આ સમજૂતીને સમર્થન નહિ અપાય તો ત્રીજી તક નહિ મળે. આ છેલ્લી સમજૂતી છે અથવા બ્રેક્ઝિટ થશે જ નહિ. થેરેસા મે અચાનક સોમવારે સાંજે સ્ટ્રાસબર્ગ નવાં નીકળ્યાં હતાં અને રાત્રે આઠ વાગે તેમણે ઈયુ નેતાઓ સાથે ચર્ચા આરંભી હતી. બે કલાકની ચર્ચાનું સારું પરિણામ જણાયું હતું. વડા પ્રધાન મેએ સુધારા સાથેની સમજૂતીને સમર્થન આપવા દેશના સાંસદોને અપીલ કરી છે.
ઈયુ નેતાઓ સાથેની વાટાઘાટોમાં વડા પ્રધાન થેરેસા મેને આંશિક સફળતા પ્રાપ્ત થઈ છે. ઈયુ નેતાઓએ વિવાદાસ્પદ આઈરિશ બેકસ્ટોપ મુદ્દે પીછેહઠ કે બ્રિટનને મચક આપવાનું સ્પષ્ટપણે નકારી કાઢ્યા પછી તેમની વાત થોડી માની છે. મૂળ વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ યથાવત રહેશે પરંતુ, કાનૂનીપણે બંધનકર્તા રહે તેવા નવા ત્રણ ડોક્યુમેન્ટ્સ સમજૂતી સાથે સામેલ કરાશે. હવે તેના પર મતદાન કરાવાશે. ઈયુ નેતાઓની ખાતરી સાથે કાનૂની બંધનકર્તા દસ્તાવેજ અનુસાર આઈરિશ બેકસ્ટોપ કાયમી નહિ રહે અને ૨૦૨૦ સુધીમાં તેના સ્થાને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ઈયુ અને યુકેના ભાવિ સંબંધો અંગે રાજકીય નિવેદનમાં જણાવાયું છે કે બંને પક્ષો આખરી દરજ્જા વિશે વેપાર ચર્ચાઓને ઝડપથી આગળ વધારશે. બ્રિટન દ્વારા એકપક્ષી નિવેદનમાં જણાવાયું છે કે જો કદી પણ બેકસ્ટોપ અમલી બનશે તો પણ યુકે તેને દૂર કરવાની એટલે કે બોર્ડર ખુલ્લી રાખવાની ચોકસાઈ સાથેના પગલાં ભરશે. જોકે, આ પગલાં કયા હશે તેની સ્પષ્ટતા થઈ નથી.
અગાઉ, જાન્યુઆરીમાં મૂળ સમજૂતીને સાંસદોએ ૨૩૦ મતથી ફગાવી દીધી હતી અને ૧૨ માર્ચના મતદાનમાં પણ તેનું પુનરાવર્તન થવાની તમામ સંભાવના હતી. પોતાની મૂળ સમજૂતીને સમર્થન આપવાની વડા પ્રધાનની વિનંતીને ટોરી બળવાખોરોએ નકારી હતી.
વડા પ્રધાન થેરેસા મેએ અગાઉ જણાવ્યું હતું કે જો મંગળવારનાં મતદાનમાં તેમની હાર થશે તો બુધવારે યુકેએ કોઈ સમજૂતી વિના જ ઈયુમાંથી બહાર નીકળવા અંગે તેમજ ગુરુવારે આર્ટિકલ ૫૦ હેઠળની પ્રક્રિયા લંબાવવા વિશે મતદાન કરવામાં આવશે.
બ્રેક્ઝિટ પ્રક્રિયા લંબાય તો ઈયુ માસિક £૧ બિલિયન વસૂલશે
લંડનઃ યુકે ૨૯ માર્ચે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનું છે ત્યારે વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતી પર મંગળવાર, ૧૨ માર્ચે કોમન્સમાં યોજાનારા મતદાનમાં તેનો પરાજ્ય નિશ્ચિત મનાય છે. જો સમજૂતીની હાર થાય તો સાંસદો આર્ટિકલ ૫૦ હેઠળ બ્રેક્ઝિટને લંબાવવા વિશે મતદાન કરી શકે છે. બીજી તરફ, યુરોપીય યુનિયને બ્રેક્ઝિટ પ્રોસેસમાં વિલંબ સામે પોતાનું વલણ સખત બનાવ્યું છે. બ્રસેલ્સ દ્વારા બ્રેક્ઝિટમાં થનારા વિલંબ સામે માસિક એક બિલિયન પાઉન્ડ વસૂલવાની માગણી રખાનાર છે. બ્રેક્ઝિટ વિલંબની અન્ય ભારે કિંમત તરીકે બ્રિટને કસ્ટમ્સ યુનિયનમાં રહેવું પડે તેવું દબાણ પણ ઈયુ દ્વારા થઈ શકે છે.
વડા પ્રધાને ત્રણ મહિનાના વિલંબનું સૂચન કર્યું છે પરંતુ, ઈયુ રાજદ્વારીઓ થોડા સપ્તાહો કરતાં વધુ વિલંબ કરાય તો વધુ નાણા માગી શકે છે. વર્તમાન ડાઈવોર્સ બિલ ૩૯ બિલિયન પાઉન્ડનું છે તેમાં એક વર્ષના વિલંબ માટે ૧૩.૫ બિલિયન પાઉન્ડનો વધારો થઈ શકે છે તેમ ઈયુ સૂત્રો જણાવે છે. જો બ્રેક્ઝિટની તારીખ માર્ચ ૨૯થી વધુ આગળ લઈ જવાની થાય તો ઈયુના બાકી તમામ ૨૭ સભ્ય દેશોની સંમતિ મળવી આવશ્યક છે.


