લંડનઃ બ્રેક્ઝિટ મુદ્દે પાર્ટીના સતત દબાણથી ત્રસ્ત વડા પ્રધાન થેરેસા મેએ સાતમી જૂન, શુક્રવારથી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પદત્યાગની જાહેરાત કરી દીધી છે. આ સાથે તેમના ત્રણ વર્ષના સતત દબાણ હેઠળના શાસનનો અંત આવી જશે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ૨૪ મેએ સંબોધન કરતાં મેએ જણાવ્યું હતું કે બ્રિટનના દ્વિતીય મહિલા વડા પ્રધાન તરીકે સેવા આપવી તે મારા જીવનનું ગૌરવ બની રહ્યું હતું. તેમણે ગળગળાં સાદે જણાવ્યું હતું કે ‘ જે રાષ્ટ્રને હું પ્રેમ કરું છું તેની સેવા કરવાની તક મળી તે માટે ભારે આભારની લાગણી સાથે અને કોઈ જ દ્વેષ વિના હોદ્દો છોડીશ.’ વડા પ્રધાને તેમની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી પરંતુ એ સ્વીકાર્યું હતું કે, ‘હું બ્રેક્ઝિટને અમલી બનાવી શકી નહિ તેનો મને ભારે અને ઊંડો ખેદ છે અને તે સતત રહેશે.’ હવે વડા પ્રધાન થેરેસા યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ત્રીજી જૂનથી આરંભાતી યુકે મુલાકાત દરમિયાન મહેમાનગતિ કરશે. આ ઉપરાંત, ૨૩ મેએ યોજાએલી યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટ ચૂંટણીમાં ટોરી પાર્ટીના ખરાબ દેખાવની નામોશી સાથે તેઓ વડા પ્રધાનપદ છોડશે.
ટોરી પાર્ટીની બેકબેન્ચ ૧૯૨૨ કમિટીના ચેરમેન ગ્રેહામ બ્રેડી સાથે બેઠક પછી થેરેસા મેનો આ નિર્ણય આવ્યો હતો. કમિટીએ જો થેરેસા મે રાજીનામું ન આપે તો અવિશ્વાસની બીજી દરખાસ્ત લાવવાની પણ ધમકી આપી હતી. મંગળવાર, ૨૮ મેએ ૧૦ પોઈન્ટના નવા બ્રેક્ઝિટ ડીલની જાહેરાત કર્યા પછી ટોરી બેકબેન્ચર્સ તેમજ કેબિનેટના સભ્યોમાં પણ ભારે રોષ ફેલાયો હતો. બિલ પાર્લામેન્ટ પસાર થાય તો સાંસદોને સેકન્ડ રેફરન્ડમના મુદ્દે મતદાનની તક આપવા પણ વડા પ્રધાને જાહેરાત કરી હતી. હાઉસ ઓફ કોમન્સના નેતા આન્દ્રેઆ લીડસોમે બ્રેક્ઝિટ બિલ પાર્લામેન્ટમાં રજૂ કરવાના બદલે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. સાજિદ જાવિદ, જેરેમી હન્ટ, ક્રિસ ગ્રેલિંગ અને ડેવિડ મુન્ડેલ સહિતના કેબિનેટ મિનિસ્ટર્સે પણ ચિંતા દર્શાવી હતી.
ઈયુ સાથે બ્રિટનના ભાવિ સંબંધો અંગે પોતાની જ પાર્ટીની બેકબેન્ચમાં બ્રેક્ઝિટીઅર્સ સાથે ત્રણ વર્ષની સતત માથાકૂટ પછી થેરેસા મે વિદાય લેવાના છે. તેમણે ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં બહુમતી ગુમાવ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. બ્રસેલ્સ સાથે બ્રેક્ઝિટ સમજૂતી કર્યા પછી તેને પસાર કરાવવાના ત્રણ પ્રયાસોમાં થેરેસા મેને જોરદાર પરાજય વેઠવો પડ્યો હતો. ચોથી વારના પ્રયાસમાં લેબર પાર્ટી સાથે સહયોગ સાધવા તેમણે ઘણી છૂટછાટની ઓફર કરી હતી, જેમાં કસ્ટમ્સ યુનિયન અને સેકન્ડ રેફરન્ડમના વિચારનો પણ સમાવેશ થતો હતો.
થેરેસા મેનું સ્થાન કોણ લેશે?
ટોરી ૧૯૨૨ કમિટી લગભગ સાતમી જૂને જ શરુ થનારી નેતાગીરી સ્પર્ધાના નિયમો જાહેર કરશે, જે કદાચ છ સપ્તાહ સુધી ચાલી શકે છે. ટોરી પાર્ટીના નેતા અને બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની સ્પર્ધામાં પૂર્વ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન મોખરે છે. બુકીઓની દૃષ્ટિએ બોરિસ જ્હોન્સન સૌથી વધુ ફેવરિટ છે. વડા પ્રધાન થેરેસા મેએ રાજીનામાની જાહેરાત કરતાની સાથે જ પૂર્વ ફોરેન સેક્રેટરીએ નેતાગીરીની સ્પર્ધામાં પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બોરિસ ‘નો ડીલ બ્રેક્ઝિટ’ની તરફેણ કરી રહ્યા છે. આગામી ટોરી નેતા અને નવા વડા પ્રધાન સમક્ષ બ્રેક્ઝિટ સમસ્યાના હલનો મુખ્ય પડકાર રહેવાનો છે. જૂન અને જુલાઈ દરમિયાન યોજાનારી નેતાગીરીની સ્પર્ધા ખુલ્લી બની રહેશે કારણકે એક ડઝનથી વધુ સીનિયર ટોરી નેતાઓ પણ સ્પર્ધામાં ઝૂકાવવા વિચારી રહ્યા છે, જેમાં રોરી સ્ટુઅર્ટ, સાજિદ જાવિદ, જેરેમી હન્ટ, માઈકલ ગોવ, પેની મોરડાઉન્ટ, ડોમિનિક રાબ, મેટ હેનકોક અને એસ્થર મેક્વેનો પણ સમાવેશ થાય છે. હાર્ડલાઈન બ્રેક્ઝિટીઅર સ્ટીવ બેકર તેમજ બેકબેન્ચ ૧૯૨૨ કમિટીના ચેરમેન ગ્રેહામ બ્રેડી પણ સ્પર્ધામાં ઝૂકાવી શકે છે.


