વડા પ્રધાન બનવા બોરિસ જ્હોન્સન અને જેરેમી હન્ટ વચ્ચે આખરી જંગ

જેરેમી હન્ટ અને માઈકલ ગોવ વચ્ચે માત્ર બે મતનો તફાવત રહ્યોઃ કન્ઝર્વેટિવ પાર્ટીના આશરે ૧૬૦,૦૦૦ સભ્યો આખરી પસંદગીનું મતદાન કરશે

Friday 21st June 2019 02:55 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેના અનુગામી તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને આગામી વડા પ્રધાન પદની રસપ્રદ રેસમાં પૂર્વ ફોરેન સેક્રેટરી અને બ્રેક્ઝિટીઅર બોરિસ જ્હોન્સન અને વર્તમાન ફોરેન સેક્રેટરી અને ચુસ્ત રીમેઈનર જેરેમી હન્ટ વચ્ચે આખરી જંગ ખેલાશે. બોરિસ જ્હોન્સનને ૧૬૦ અને જેરેમી હન્ટને ૭૭ મત મળ્યા હતા. એક સમયે બોરિસ જ્હોન્સન અને માઈકલ ગોવ વચ્ચે આખરી જંગ ખેલાશે તેમ જણાતું હતુ. જોકે, જેરેમી હન્ટ પાંચમા રાઉન્ડમાં માત્ર બે મતની સરસાઈથી આગળ નીકળી ગયા હતા. આખરી બે લોકપ્રિય ઉમેદવાર સ્પર્ધામાં રહે ત્યાં સુધી સાંસદો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. પાંચ રાઉન્ડના મતદાન પછી કન્ઝર્વેટિવ પાર્ટીના આશરે ૧૬૦,૦૦૦ સભ્ય ૨૨ જૂનથી આખરી પસંદગીનું મતદાન કરશે અને આશરે ચાર સપ્તાહ પછી વડા પ્રધાન થેરેસા મેના અનુગામી અને સ્પર્ધાના આખરી વિજેતાની જાહેરાત ૨૨ જુલાઈના સપ્તાહમાં થાય તેવી ધારણા છે.

આ બંને ઉમેદવારોએ હવે પાર્ટીના સભ્યો સમક્ષ ૧૬ ચૂંટણીપ્રચારમાં ભાગ લેવાનો થશે અને આ સમયે તેમની બ્રેક્ઝિટ યોજનાઓ ચકાસણી હેઠળ આવશે તે નિશ્ચિત છે. તેમણે ટેલિવિઝન ચર્ચાઓમાં પણ આમનેસામને ભાગ લેવો પડશે. જહોન્સને વારંવાર એવી ખાતરી આપી છે કે તેઓ ૩૧ ઓક્ટોબરની આખરી મહેતલ પહેલા જ યુકેને યુરોપિયન યુનિયનમાંથી બહાર લઈ જશે અને તે નો-ડીલ બ્રેક્ઝિટનું જોખમ લેવા પણ તૈયાર છે.

બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે ૫૦ ટકાથી વધુ ટોરી સાંસદોના સમર્થન મળવાથી તેઓ ભારે ગૌરવ અનુભવે છે. જેરેમી હન્ટે જણાવ્યું હતું કે તેઓ શરૂઆતથી જ મજબૂત ઉમેદવાર ન હતા પરંતુ, વડા પ્રધાન પદની હરીફાઈમાં છેલ્લે સુધી લડી લેવાની તૈયારી છે. પરિણામો જાહેર થયા પછી માઈકલ ગોવે બંને આખરી સ્પર્ધકને અભિનંદન પાઠવ્યા હતા.

બોરિસ કે જેરેમીમાંથી કોઈનો પણ વિજય થાય, પાર્લામેન્ટમાં ટોરી પાર્ટીની અત્યંત પાતળી બહુમતી હોવાથી બ્રેક્ઝિટ મુદ્દે ટુંક સમયમાં તેમણે સામાન્ય ચૂંટણી જાહેર કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બ્રેક્ઝિટ સમજૂતી મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટી ઘણી વિભાજિત છે.

ગુરુવારે ચોથા અને પાંચમા રાઉન્ડમાં ભારે કશ્મકશ જોવા મળી હતી. ત્રીજા ક્રમના ઉમેદવાર એન્વિરોન્મેન્ટ સેક્રેટરી માઈકલ ગોવ ૬૧ મત સાથે ચોથા રાઉન્ડમાં હન્ટ (૫૯ મત)થી આગળ હતા. જોકે, પાંચમા રાઉન્ડમાં બાજી પલટાઈ હતી અને હન્ટ માત્ર બે મતથી ગોવ (૭૫ મત)થી આગળ નીકળી ગયા હતા. હોમ સેક્રેટરી અને પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદને ચોથા રાઉન્ડમાં માત્ર ૩૪ મત મળવાથી તેઓ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા હતા.

અગાઉ, ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી રોરી સ્ટુઅર્ટે બીજા રાઉન્ડમાં ૩૭ મત મેળવી મોટો કૂદકો માર્યો હતો પરંતુ, ત્રીજા રાઉન્ડમાં માત્ર ૨૭ મત મળવાથી તેઓ વડા પ્રધાન પદની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા તેમજ પૂર્વ બ્રેક્ઝિટ સેક્રેટરી ડોમિનિક રાબને બીજા રાઉન્ડમાં જ ૩૦ મત મળવાથી તેઓ સ્પર્ધામાંથી બહાર ગયા હતા. આ સ્પર્ધામાં આગળ વધવા માટે ઉમેદવારે ઓછામાં ઓછાં ૩૩ મત મેળવવાના હતા. મેટ હેનકોકને પ્રથમ રાઉન્ડમાં ૨૦ મત મળ્યા હતા પરંતુ, તેમણે સ્પર્ધામાંથી બહાર જવાનું પસંદ કર્યું હતું.

બોરિસ જ્હોન્સનની ટીમે મજબૂત સ્પર્ધક અને બ્રેક્ઝિટીઅર માઈકલ ગોવને હરીફાઈમાંથી બહાર રાખવા ભારે કાવાદાવા કર્યા હોવાનો આક્ષેપ થાય છે. જોકે, જ્હોન્સન અને તેમની ટીમે આક્ષેપને નકારી કાઢ્યો હતો. જ્હોન્સનને ચોથા રાઉન્ડમાં ૧૫૭ મત મળ્યા હતા. સ્પર્ધામાં ફેંકાયેલા સાજિદ જાવિદના ચાર સમર્થક સાંસદોએ જ્હોન્સનને ટેકો જાહેર કરવા છતાં, પાંચમા રાઉન્ડમાં માત્ર ત્રણ મતનો વધારો થતા તેમની ટીમે પોતાની છાવણીના સાંસદો પાસે જેરેમી હન્ટની તરફેણમાં મતદાન કરાવ્યું હોય તેવી શંકા સેવાય છે. એમ કહેવાય છે કે માઈકલ ગોવે ૨૦૧૬માં નેતાગીરીની સ્પર્ધામાં બોરિસ જ્હોન્સનને છેલ્લી ઘડીએ ટેકો પાછો ખેંચી છેરપિંડી આચરી હતી અને બોરિસ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા હતા. આ વખતે તેમણે માઈકલ ગોવને પછાડી બદલો લીધો છે.

વિવાદાસ્પદ રાજકારણી અને લંડનના મેયર તરીકે આઠ વર્ષ સેવા આપનારા બોરિસ જ્હોન્સને પોતાના વિજયથી ખુશી વ્યક્ત કરવા સાથે જણાવ્યું હતું કે તેમના અભિયાને હજુ લાંબો માર્ગ કાપવાનો છે. બોરિસના વિજયના માર્જિનથી અન્ય હરીફો આશ્ચર્યમાં રહી ગયા છે. જોકે, પૂર્વ મેયરે લાંબા સમય અગાઉ ઉમેદવારી જાહેર કરવા સાથે તૈયારી આરંભી પક્ષના સાંસદો સાથે સતત મુલાકાતો કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter