વડા પ્રધાન બોરિસ અને હેલ્થ સેક્રેટરી હેનકોક કોરોનાગ્રસ્ત

પોતાની જ સલાહનું પાલન ન કર્યાની ટીકાઓનો મારોઃ ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હીટી પણ હળવા લક્ષણો સાથે સેલ્ફ આઈસોલેશનમાંઃ

Saturday 28th March 2020 02:42 EDT
 
 

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓ શુક્રવારથી એકાંતવાસમાં જતા રહ્યા છે. દેશના ચીફ મેડિકલ ઓફિસર (CMO) પ્રોફેસર ક્રિસ વ્હીટીને પણ કોવિડ-૧૯ જેવાં હળવા લક્ષણો જણાતા તેઓ પણ સેલ્ફ આઈસોલેશનમાં હોવાની જાહેરાત થઈ છે. વડા પ્રધાન જ્હોન્સને એકાંતવાસમાં રહીને જ કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં વિડિયો-કોન્ફરન્સિંગ મારફતે સરકાર અને દેશની બાગડોર સંભાળતા રહેશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન જ્હોન્સનને ઝડપથી સાજા થઈ જવાની શુભેચ્છા પાઠવી છે. બીજી તરફ, સામાજિક અંતર જાળવવા વિશે પોતાના જ સૂચનોનો વડા પ્રધાને અમલ કર્યો નહિ હોવાની ટીકાઓ થઈ રહી છે.

વડા પ્રધાન જ્હોન્સને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કહ્યું છે તે તેઓ હવે સેલ્ફ-આઈસોલેટીંગમાં છે. તેમનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘છેલ્લા ૨૪ કલાકમાં મારામાં કોરોના વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે અને કોરોનાના પોઝિટિવ ટેસ્ટ આવ્યા છે. હું હવે સંપૂર્ણપણે સેલ્ફ-આઈસોલેશનમાં છું. જોકે, આ વાઈરસ સામે લડવા માટેનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખીશ. આ જ યોગ્ય ગણાશે.’ ૫૫ વર્ષીય જ્હોન્સન હળવા કફ અને તાવની ફરિયાદ સાથે ૧૧ ડાઉનિંગ સ્ટ્રીટની ઉપરના ફ્લેટમાં સાત દિવસ માટે એકાંતવાસમાં રહેશે. ચાન્સેલર સુનાક સાથે NHS વર્કર્સના સપોર્ટમાં તાળી વગાડતા દેખાયા પછી તેમને મધરાતે કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું પરિણામ મળ્યું હતું.

વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમના લક્ષણો હળવાં છે અને પહેલાની માફક જ બધી કામગીરી ટેલિકોન્ફરન્સિંગથી કરતા રહેશે. જ્હોન્સને ૨૭ માર્ચ શુક્રવારની સવારે મિનિસ્ટર્સ અને હેલ્થ નિષ્ણાતો સાથે કોવિડ-૧૯ની બેઠક કરી હતી. તેઓ લગભગ બે સપ્તાહથી ક્વીન સાથે ટેલિફોન દ્વારા નિયમિત વાત કરતા રહે છે. જો વડા પ્રધાન અક્ષમ બને તો સામાન્ય રીતે ફોરેન સેક્રેટરી વડા પ્રધાનની ભૂમિકા સંભાળતા હોય છે પરંતુ, ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ આ ભૂમિકા સંભાળે તેમ જણાતું નથી.

NHS ની જવાબદારી ધરાવતા હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક પણ આગામી ગુરુવાર સુધી એકાંતવાસમાં રહેશે. ઈંગ્લેન્ડના CMO પ્રોફેસર ક્રિસ વ્હીટીને પણ કોવિડ-૧૯ જેવાં હળવા લક્ષણો જણાતા તેમણે પણ સેલ્ફ આઈસોલેશનમાં જવાની જાહેરાત કરી છે. તેમણે કોરોના પરીક્ષણ કરાવ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે,‘મારા ડેપ્યુટીઝની સહાય સાથે હું કોરોના વાઈરસ સામે તબીબી પ્રતિભાવ બાબતે સરકારને સલાહ આપવાનું ચાલુ રાખીશ.’

મૂળ ભારતીય નેતાઓ હસ્તક શાસન

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોનાગ્રસ્ત જાહેર થયા પછી સંસદના અધ્યક્ષે પણ પોતાને સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં મૂકી દીધા છે. આથી પાર્લામેન્ટની અધ્યક્ષતા હંગામી સ્વરૂપે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને સોંપાઈ છે. પ્રીતિ પટેલ અત્યારે પ્રધાનમંડળના સંયોજક તરીકેની જવાબદારી પણ સંભાળે છે. પ્રધાનમંડળમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ચાન્સેલર રિશિ સુનાક વડા પ્રધાન જ્હોન્સનની ગેરહાજરીમાં પ્રધાનમંડળનું અધ્યક્ષસ્થાન સંભાળી રહ્યા છે. જેમના નામે બ્રિટનનું શાસન ચાલે છે એ ક્વીન એલિઝાબેથ દ્વિતીય પણ હાલ સતર્કતા ખાતર સેલ્ફ- આઈસોલેશન હેઠળ છે. આમ જોઈએ તો, સમગ્ર બ્રિટિશ શાસનમાં ભારતીય મૂળના બે નેતાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.

પરોપદેશે પાંડિત્યમ્ઃ પોતાની જ સલાહનું પાલન ન કર્યું

ગત થોડા દિવસોમાં જ્હોન્સન, હેનકોક અને ક્રિસ વ્હીટીએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની પોતાની જ સૂચનાઓ કે સલાહોનું પાલન કર્યું ન હોવાની ચર્ચા થઈ રહી છે. હાઉસ ઓફ કોમન્સમાં તેમના વચ્ચેનું અંતર છ ફૂટથી પણ નજીક હોવાનું દર્શાવતી તસવીરો પ્રસિદ્ધ થઈ છે. પ્રોફેસર વ્હીટી કન્સલ્ટન્ટ ડોક્ટર છે તેમણે વડા પ્રધાન સાથે મુલાકાત કરી હતી પરંતુ, તેમને તપાસ્યા હતા કે કેમ તે જાણી શકાયું નથી. વ્હીટીએ સુરક્ષિત વસ્ત્રો પહેર્યા હોવાનું પણ જણાયું નથી.

જ્હોન્સન અને હેનકોક ગત થોડા દિવસોથી કેબિનેટ મિનિસ્ટર્સ સહિત સીનિયર રાજકીય મહાનુભાવો અને સલાહકારો સાથે સતત સંપર્કમાં રહેતા હતા. આ બે નેતાઓ ટેસ્ટ પોઝિટિવ જાહેર થયા હોવાં છતાં, અન્ય મિનિસ્ટર્સ અને સલાહકારો કોરોનાના લક્ષણો ન જણાય ત્યાં સુધી વાઈરસ માટે પરીક્ષણ કરાવવાના નથી. જ્હોન્સનને બીમારીનો ચેપ ક્યાંથી લાગ્યો તે જાણી શકાયું નથી પરંતુ, અધિકારીઓએ જણાવ્યું છે કે નંબર ૧૦માં કામ કરતા અન્ય લોકો પણ કોરોનાના લક્ષણ જણાતા એકાંતવાસમાં જતા રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter