વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર સાજિદ વચ્ચે વિખવાદ

Wednesday 04th September 2019 01:56 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના મુખ્ય સલાહકાર ડોમિનિક ક્યુમિંગ્સ દ્વારા ચાન્સેલર સાજિદ જાવિદના એક ગાઢ સલાહકાર સોનિયા ખાનની હકાલપટ્ટી કરાયાના પગલે વડા પ્રધાન અને ચાન્સેલર વચ્ચે ગંભીર વિખવાદ થયો છે. નંબર ૧૦ દ્વારા ખર્ચનીતિ પર કરાતા દબાણને મુદ્દે પણ ચાન્સેલર નારાજ છે. ચાન્સેલરે વડા પ્રધાન સાથે સંબંધોને ફેન્ટાસ્ટિક ગણાવ્યા છે પરંતુ, ક્યુમિંગ્સ વિશે ટીપ્પણી કરવાનું નકાર્યું હતું.

એવો દાવો કરાય છે કે સોનિયા ખાન ઓપરેશન યલોહેમર નો-ડીલ ડોઝિયરને લીક કરવામાં સંકળાયા હોવાનો ક્યુમિંગ્સને શક ગયો હતો. જોકે, ખાને તીવ્રતાપૂર્વક આક્ષેપને નકારી કાઢ્યો હતો. એમ પણ કહેવાય છે કે ક્યુમિંગ્સ દ્વારા હકાલપટ્ટી કરાયા પછી પોલીસ દ્વારા સોનિયા ખાનને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર લઈ જવાયાં હતાં તેમજ ચાન્સેલર સાજિદ જાવિદને હકાલપટ્ટીની જાણ પણ કરાઈ ન હતી.

ચાન્સેલર જાવિદે તેમની સત્તા પર કાપ મૂક્યાનો આક્ષેપ ડાઉનિંગ સ્ટ્રીટ પર કર્યો છે. જ્હોન્સને શાળાઓ માટે ખર્ચામાં વધારાના ૧૪ બિલિયન પાઉન્ડ ફાળવવાની મોટી જાહેરાત કર્યા પછી ચાન્સેલરે ૧૬-૧૯ વયજૂથના બાળકોના શિક્ષણ માટે ૪૦૦ મિલિયન પાઉન્ડની પ્રમાણમાં અલ્પ રોકડ પ્રોત્સાહનની જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter