વડા પ્રધાન બોરિસે વેતનકાપ અને કરકસરના પગલાં નકાર્યા

Wednesday 20th May 2020 09:02 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીમાં સરકાર જે ૩૦૦ બિલિયન પાઉન્ડથી વધુ ખર્ચ કરી રહી છે તેના પરિણામે પબ્લિક સેક્ટરમાં વેતન સ્થગિત કરાશે અને કરકસરના પગલાં લેવાશે તેવા અહેવાલોને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ રદિયો આપ્યો છે. વડા પ્રધાને સાંસદોની ૧૯૨૨ કમિટીને જણાવ્યું હતું કે બ્રિટન લોકડાઉનમાંથી બહાર આવશે ત્યારે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે ખર્ચ કરવા આગળ વધશે.

વડા પ્રધાને આશરે ૧૨૫ ટોરી બેકબેન્ચર્સની કમિટીને કહ્યું હતું કે કોરોના કટોકટી માટે ખર્ચાયેલા ૩૦૦ બિલિયન પાઉન્ડથી વધુ બિલને આવરી લેવા જાહેર ક્ષેત્રના કર્મચારીઓનું વેતન સ્થગિત કરવા કે કરકસરના પગલાં લેવાનો કોઈ જ પ્રશ્ન નથી. આનાથી વિપરીત, તેઓ ઈકોનોમીને આગળ વધારવા નોર્થ ઈંગ્લેન્ડમાં નવા નોર્ધર્ન પાવરહાઉસ રેલ જેવાં ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સને ભંડોળ આપવા આગળ વધશે.

તેમને સીધો પ્રશ્ન કરાયો હતો કે NHS વર્કર્સ માટે વેતન સ્થગિત કરાશે ત્યારે તેમણે સ્પષ્ટ નકારમાં ઉત્તર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે નાના ફર્મ્સમાં કર્મચારીઓ માટે આંશિક ફર્લોનો વિચાર થઈ રહ્યો છે જેનાથી, સરકાર અને બિઝનેસીસ સ્ટાફને વેતન ચુકવવા સહિયારો પ્રયાસ કરી શકે. વડા પ્રધાને કટોકટીમાંથી બહાર નીકળવા ટેક્સ વધારવાનો સહારો લેવાશે તે પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે રિશિ સુનાક એન્ટ્રેપ્રીન્યોર્સને લોકડાઉનમાંથી બહાર નીકળવાની મદદના નવતર ઉપાય તપાસી રહ્યા છે.

જ્હોન્સને ૪૫ મિનિટના વીડિયો કોન્ફરન્સિંગ કોલ દરમિયાન જણાવ્યું હતું કે કરકસર તરફ પાછા વળવાનો સવાલ નથી. આ કટોકટી આપણા માટે ઊંચે જવાનું સ્પ્રિંગબોર્ડ બની રહેશે તેમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર હેલ્થ અને પોલિસિંગ પાછળ ખર્ચ વધારવા પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter