લંડનઃ NHSમાં વિદેશી ડોક્ટરોએ ૨૦૨૫થી દેશ છોડવો પડશે તેવા વિધાનના ભારે વિરોધના પગલે વડા પ્રધાન થેરેસા મેએ પીછેહઠ કરવાની ફરજ પડી છે. વડા પ્રધાને એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે સરકાર વધુ બ્રિટિશ ડોક્ટરોને તાલીમ આપવા માગે છે અને વિદેશી ડોક્ટરો કામચલાઉ પગલા તરીકે જ અહીં છે. તેમણે પાછળથી કહ્યું હતું કે વિદેશી ડોક્ટરોને સ્વદેશ પરત જવા નહિ કહેવાય.
વડા પ્રધાને બીબીસી બ્રેકફાસ્ટને ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સેંકડો બ્રિટિશ ડોક્ટરોને તાલીમ આપવાની યોજનાનો અર્થ એ છે કે વિદેશી ડોક્ટરોની જરૂર નહિ રહે. તેઓ વચગાળાના પગલા તરીકે જ અહીં છે. જોકે, બપોર પછી તેમણે ફાઈવ ન્યૂઝને મુલાકાતમાં કહ્યું હતું કે વધુ બ્રિટિશ ડોક્ટરોને તાલીમનો અર્થ એ નથી કે વિદેશી ડોક્ટરોને સ્વદેશ જવા કહેવાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભરતી અંગેના નિર્ણય સ્થાનિક હોસ્પિટલો પર છોડી દેવાશે.
હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે જાહેર કર્યું છે કે દર વર્ષે તાલીમ લેતા ૬,૦૦૦ બ્રિટિશ મેડિકલ સ્ટુડન્ટ્સની સંખ્યા વધારી ૭,૫૦૦ કરાશે અને તે માટે ૧૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ થશે. આના પરિણામે NHS૨૦૨૫ સુધીમાં સ્વનિર્ભર બની જશે. ઈંગ્લેન્ડમાં મેડિકલ વર્કફોર્સનો ૨૫ ટકા હિસ્સો વિદેશી છે. દર વર્ષે સ્થાનિક બદલી ડોક્ટરો પાછળ ૧.૨ બિલિયન પાઉન્ડના ખર્ચ સહિત NHSખાલી જગ્યાઓ ભરવા એજન્સી સ્ટાફ પાછળ કુલ ૩.૩ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે.


