લંડનઃ બ્રિટિશ મીડિયાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાતને વ્યાપક કવરેજ આપ્યું હતું. ઈતિહાસમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના ચૂંટાયેલા નેતા વડા પ્રધાનને મળવા અને તેમના અભિવાદન કરવા માટે ૬૦,૦૦૦ ભારતીયો દ્વારા બુક કરાવાની ઘટના વેમ્બલી સ્ટેડિયમના ઈતિહાસમાં પ્રથમ જ હતી. હું ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં હાજર હતી અને લોકોનાં ઉત્સાહને જોતાં મોદીને એક રોક સ્ટાર સેલિબ્રિટીથી ઓછા ગણાઈ જ ન શકાય.
મોદી સ્ટેડિયમ પહોંચ્યા તે અગાઉ, બીબીસીના રિપોર્ટરે ભારતમાં શા માટે અસહિષ્ણુતા વધી રહી છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. મોદીએ ઉત્તરમાં જણાવ્યું હતું કે, ‘એકલ-દોકલ ઘટના હોય તો પણ ભારત અસહિષ્ણુતાને સ્વીકારતું નથી. ૧.૨૫ અબજ લોકોના દેશ માટે તે નોંધપાત્ર હોય કે નહિ, અમારા માટે દરેક ઘટના ગંભીર છે અને અમે તે સ્વીકારીશું નહિ.’ ધ ગાર્ડિયન અખબારના રિપોર્ટરે ડેવિડ કેમરનને પ્રશ્ન કર્યો હતો કે તેમના પ્રથમ શાસનકાળમાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના રેકોર્ડના લીધે જે મોદીને યુકેમાં મુલાકાતની પરવાનગી અપાઈ ન હતી, તેમને આવકારતા તેઓ કેટલી સ્વસ્થતા અનુભવે છે. આ પછી, રિપોર્ટરે મોદીને લંડનની શેરીઓમાં તેમની વિરુદ્ધના દેખાવો અંગે પણ પ્રશ્ન કર્યો હતો.
આ મુદ્દે કેમરને જણાવ્યું હતું કે,‘મોદીને આવકારતા હું ખુશ છું. તેઓ વ્યાપક અને ઐતિહાસિક જનાદેશ સાથે અહીં આવ્યા છે. અન્ય બાબતને સંબંધ છે ત્યાં સુધી કાનૂની કાર્યવાહી થયેલી છે. આજે તેમને બ્રિટિશ સરકારે આવકાર્યા છે અને બે દેશો કેવી રીતે સાથે કામ કરી શકે તેના વિશે મેં તેમની સાથે ચર્ચા કરી હતી.’ મોદીએ પોતાના પક્ષે જણાવ્યું હતું હતું કે,‘હું ‘અન્ય મુદ્દા’ વિશે રેકોર્ડ સ્પષ્ટ કરવા માગું છું. હું ૨૦૦૩માં અહીં આવ્યો ત્યારે પણ મને ભવ્ય આવકાર મલ્યો હતો. યુકે દ્વારા મને અહીં આવતા કદી અટકાવાયો નથી. કોઈ જ પ્રતિબંધ ન હતો. આ ખયાલ જ ખોટો છે, જેને હું સ્પષ્ટ કરવા માગું છું.’
ધ ગાર્ડિયન અખબારનું લક્ષ્ય જ મોદી દેશના વડા તરીકે યોગ્ય નથી અને બ્રિટને તેમની સાથે ગાઢ સંબંધો રાખવાથી અળગાં રહેવું જોઈએ તેવાં પુનરુચ્ચાર સાથે નરેન્દ્ર મોદી સામે ટીકા અને આક્રમણનું રહ્યું છે. હકીકત એ છે કે આવી ટીપ્પણી કરવી તેમના માટે યોગ્ય નથી. તેમના અનિચ્છનીય અને પુરવાર ન થયેલાં આક્ષેપો ભારત-બ્રિટિશ સંબંધોને નુકસાન કરી શકે છે એટલું જ નહિ, આ દેશના અખંડ અને મહત્ત્વપૂર્ણ હિસ્સો રહેલાં ભારતીય ડાયસ્પોરાને પણ આઘાત આપી શકે છે. ગાર્ડિયન અને અન્ય કેટલાક પ્રતિષ્ઠિત બ્રિટિશ મીડિયાએ ડાઉનિંગ સ્ટ્રીટ અથવા વેમ્બલી સ્ટેડિયમ બહાર દેખાવકારોને વધુ મહત્ત્વ આપ્યું છે. આ લોકશાહી રાષ્ટ્ર છે. લોકો પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને મીડિયા તેનો રિપોર્ટ પણ કરી શકે છે. પરંતુ, તેમાં સનસનાટી ઉપજાવવી તે તદ્દન નીચા સ્તરે પહોંચવા જેવું છે. સ્ટેડિયમની અંદર અને બહારની હાજરીમાં જે વ્યાપક તફાવત સાચી સમતુલા દર્શાવે છે. આ જ મીડિયા ઈન્ડિયન લેડિઝ ઈન યુકે ગ્રૂપની ૪૫૦૦થી વધુ સભ્યોએ મોદીને ડાઉનિંગ સ્ટ્રીટની બહાર હરખભેર વધાવી લીધા હતા અને વડા પ્રધાનને ‘બ્લેન્કેટ ઓફ યુનિટી’ની ભેટ આપી હતી તેનો અહેવાલ ચુકી ગયું, આ શું દર્શાવે છે?
નરેન્દ્ર મોદીના ભૂતકાળ અને પુરવાર નહિ થયેલા આક્ષેપો જાણતા ભારતીયો દ્વારા જ લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલા વડા પ્રધાન છે. ચૂંટણીપ્રક્રિયા પારદર્શક હતી અને મતદાન ભારે હતું. મોદીનું અપમાન તેમના દેશની પ્રજા અને તેની પસંદગીનું અપમાન છે. આ માત્ર ભારતમાં વસતાં ભારતીયોની વાત નથી, પરંતુ અહીં વસતાં અને બ્રિટિશ ઈકોનોમીમાં નોંધપાત્ર પ્રદાન આપતાં ભારતીયોનું પણ અપમાન છે. ભારતના ચૂંટાયેલા નેતા તરીકે અન્ય દેશના વડા પ્રધાન દ્વારા તેમને આમંત્રણ અપાય તે સર્વથા યોગ્ય છે અને પોતાના હોદ્દાની રુએ તે આમંત્રણનો સ્વીકાર કરવો તે તેમનું સૌજન્ય છે.
ગુજરાતના રમખાણો ભારતમાં સૌપ્રથમ કોમી રમખાણો નથી. બ્રિટિશ મીડિયા ભારતના વડા પ્રદાન સામે આંગળી ઉઠાવે છે ત્યારે ભારતમાં બિઝનેસના નામે ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સતત ૨૦૦ વર્ષ સુધી બ્રિટિશ અત્યાચારો ગુજારાયા તેનો જવાબ પણ કોઈ માગી શકે છે. ગુજરાતના ૨૦૦૨ના રમખાણોની શરૂઆત ૫૯ હિન્દુ યાત્રિકોને ટ્રેનના ડબામાં સળગાવી દેવાના દાવા સાથે થઈ હતી, જેમાં ૬૫૦ મુસ્લિમો હિન્દુઓના હાથે માર્યા ગયાનું અને ૪૦૦ હિન્દુઓ સિક્યુરિટી દળો દ્વારા ગોળીબારમાં ઠાર કરાયાનું કહેવાય છે. બીજી તરફ, ૧૯૧૯માં જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ૧૫૦૦ લોકોએ જાન ગુમાવ્યો હતો અને ૧૯૪૭ના વિભાજન રમખાણોમાં ઓછામાં ઓછાં ૧૦ લાખ નાગરિકો મોતને ભેટ્યાં હતાં. બ્રિટિશ સહિષ્ણુતા અનૈ વૈવિધ્યતા પ્રશંસનીય છે જ, પરંતુ જો મોદીને ગોધરા રમખાણો માટે જવાબદાર ગણી શકાય તો વિભાજન માટે બ્રિટિશરો પણ એટલા જ જવાબદાર છે. આપણે મોદી અને તેમની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવવો ન જોઈએ. સૌથી મહત્ત્વનું એ છે કે ભારત, ભારતીયો અને તેમની વિવેકબુદ્ધિમાં અને સૌથી વધુ તો તેમની લોકશાહીની આસ્થામાં આપણે વિશ્વાસ ન ગુમાવીએ.