લંડનઃ લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ અને એનડીએના ભવ્ય વિજય અંગે જાણીતા રાજકીય વિદ્વાન અને લેબર પાર્ટીના લોર્ડ ભીખુ પારેખે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મેળવેલો વિજય તેમની નોંધપાત્ર વ્યક્તિગત સિદ્ધિ છે. ભાજપએ તેમને સૈન્ય આપ્યું. પરંતુ, આ વિજય વડા પ્રધાનની પ્રચંડ ઊર્જા, સમર્પણ અને પ્રયાસને લીધે જ થયો હતો.
નરેન્દ્ર મોદીએ સુસંગત ચૂંટણીલક્ષી વ્યૂહનીતિ ઘડી કાઢી હતી અને ચૂંટણીપ્રચાર દરમિયાન મહદઅંશે તેને જ અનુસર્યા હતા. તેમના કેટલાક સાથીઓએ મર્યાદા બહાર જઈને નિવેદનો આપ્યા અને પક્ષને શરમ તેમજ અપમાનનો અનુભવ કરવો પડ્યો. વડા પ્રધાને આ પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળી લીધી. તેમણે આ બધા કીચડને લીધે પોતાની પ્રતિષ્ઠા ન ખરડાય તેની ખાસ તકેદારી રાખી હતી. તેમની વાકપટુતા પણ તેમને મદદરૂપ નીવડી. તેમની ધાર્મિક સહાનુભૂતિએ ભૂમિકા ભજવી પરંતુ, તે નિર્ણાયક ન હતી. લઘુમતીના સંદર્ભમાં નવી સરકારની નીતિઓમાં ધર્મ ભૂમિકા ભજવે છે કે કેમ તે જોવાનું રહ્યું. જોકે, હાલ તો તેવું લાગતું નથી. વડા પ્રધાનના બીજા કાર્યકાળનો પ્રારંભ ખૂબ આશા અને અપેક્ષા સાથે થઈ રહ્યો છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.