વડા પ્રધાનના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે ટ્રેડ મિશન સાથે યુગાન્ડાની મુલાકાત લીધી

Wednesday 01st December 2021 04:56 EST
 
 

લંડનઃ યુગાન્ડા, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો માટેના વડા પ્રધાનના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે ગત સપ્તાહે યુકે સરકાર વતી ટ્રેડ મિશન સાથે કમ્પાલાની મુલાકાત લીધી હતી. કોરોના સંક્રમણની તાજી લહેર પછી યુગાન્ડાનો મોટો ભાગનો વિસ્તાર હાલ લોકડાઉન હેઠળ છે ત્યારે લોર્ડ ડોલર પોપટની આ મુલાકાત મહામારીના આરંભ પછી યુગાન્ડાની પહેલી સત્તાવાર વિદેશી મુલાકાતોમાં એક છે. લોર્ડ પોપટની મુલાકાતનો હેતુ યુગાન્ડા સાથે દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવાનો તેમજ કોવિડ પછીની આર્થિક રીકવરીમાં તે દેશને સહાયરુપ બનવાનો હતો.

લોર્ડ પોપટના પ્રવાસ સમયે જ કમ્પાલા બે વિનાશક ત્રાસવાદી બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું છતાં, તેઓ પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીને મળી શક્યા હતા અને તેમની મુલાકાત આયોજન મુજબ ચાલુ રહી હતી. આ મુલાકાત દરમિયાન, લોર્ડ પોપટે યુગાન્ડા સરકારને તેમની ઔદ્યોગિકીકરણ પ્રક્રિયામાં મદદ કરવા તેમના સપોર્ટની ખાતરી આપી હતી. લોર્ડ પોપટે જણાવ્યું હતું કે યુગાન્ડાની કોફી, મકાઈ, ઘઉં અને જવ જેવી પેદાશો માટે બ્રિટિશ માગમાં ખાસ કરીને બ્રેક્ઝિટ પછી ઘણો વધારો થયો છે. લોર્ડ પોપટે યુકેના ખરીદારો સાથે સંપર્ક કરાવવા યુગાન્ડાને મદદ કરવાની ખાતરી આપી હતી. લાંબા સમયથી રાહ જોવાતી યુગાન્ડા એરલાઈન્સ દાખલ કરવાથી માલસામાનની સસ્તી અને ઝડપી નિકાસનો માર્ગ મોકળો બનશે.

લોર્ડ ડોલર પોપટની મુલાકાત પછી પ્રેસિડેન્ટ મુસેવેનીએ જણાવ્યું હતું કે,‘કોમ્યુનિટીઝ ઓર્ગેનાઈઝ્ડ અને ગતિશીલ રહેશે ત્યાં સુધી યુગાન્ડા કશાંનું પણ ઉત્પાદન કરી શકે તેમ છે. અમારા લોકો પાસે જમીનના નાના ટુકડામાં અઢળક કોફી અને ફળોનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.’

લોર્ડ પોપટની મુલાકાત દરમિયાન, બ્રિટનમાં કૃષિપેદાશોની નિકાસ ઉપરાંત, યુગાન્ડાના ફાર્માસ્યુટિકલ નામાન્વે પાર્ક માટે ફાઈનાન્સિંગ, ઉત્તર યુગાન્ડાના હોઈમા જિલ્લામાં બ્રિટિશ હોસ્પિટલની સ્થાપના, તેમજ બ્રિટિશ ઈલેક્ટ્રિસિટી અને સોલાર એનર્જી પ્રોજેક્ટ્સ સહિત સંખ્યાબંધ મહત્ત્વના પ્રોજેક્ટની ચર્ચા થઈ હતી.

લોર્ડ પોપટે આ મુલાકાતમાં જણાવ્યું હતું કે,‘ હું યુગાન્ડા સાથે યુકેના ભાવિ વેપારી સંબંધોનું નિર્માલ ચાલુ રાખવા આતુર છું. મહા્મારીએ બંને દેશોના અર્થતંત્રોને ભારે ફટકો માર્યો છે પરંતુ, યુગાન્ડાની ક્ષિતિજો પર રીકવરીની નિશાનીઓ દેખાઈ રહી છે. યુકે શા માટે યુગાન્ડામાં અઢળક રોકાણ કરી રહ્યું છે? આનો ઉત્તર સરળ છે. યુગાન્ડાની સમૃદ્ધિ એટલે યુકેની સમૃદ્ધિ. યુકે અને યુગાન્ડા વચ્ચે વધતો વેપાર વધુ નોકરીઓ, વધુ નિકાસો અને ટેકનોલોજી ટ્રાન્સફરને ઉત્તેજન આપશે.’

વડા પ્રધાનના યુગાન્ડા માટેના ટ્રેડ એન્વોય-વેપારદૂત તરીકે ૨૦૧૬માં લોર્ડ ડોલર પોપટની નિયુક્તિ કરાયા પછી યુગાન્ડા સાથેનો વેપાર ચાર ગણો વધ્યો છે. લોકડાઉન દરમિયાન પણ વેપાર આંકડાઓનું સાતત્ય રહ્યું છે. આ ઉનાળામાં બ્રિટિશ કંપની મેકડર્મોટ દ્વારા યુકેનો યુગાન્ડા સાથેનો સૌથી મોંઘો ૧.૯ બિલિયન ડોલરનો સોદો કરાયો હતો જેમાં લોર્ડ પોપટની મદદ મળી હતી.

યુગાન્ડામાં જન્મેલા લોર્ડ ડોલર પોપટની આ મુલાકાત યુગાન્ડાના એશિયનોની હકાલપટ્ટીની આગામી ૫૦મી વર્ષગાંઠના પ્રતીક સમાન બની રહી છે. આ ઉજવણીમાં યુગાન્ડન એશિયન ડાયસ્પોરા દ્વારા ૨૦૨૨માં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter