લંડનઃ ડેવિડ કેમરને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડા પ્રધાન પદેથી તેઓ રાજીનામું આપશે તેવી જાહેરાત કરી છે. તેમણે કોઈ સમયપત્રક જાહેર કર્યું નથી, પરંતુ નવો નેતા ઓક્ટોબર સુધીમાં ચૂંટાશે તેમ જણાવ્યું છે. આનો અર્થ એ છે કે ઉનાળામાં નેતાગીરીની સ્પર્ધા આરંભાશે. કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાની પસંદગીની પ્રક્રિયા જરા જટિલ છે. સૌપ્રથમ બે વર્તમાન ટોરી સાંસદો દ્વારા ઉમેદવારનું નોમિનેશન કરાય છે, જે ૧૯૨૨ કમિટીના ચેરમેન પાસે પહોંચે છે. બેકબેન્ચર્સની ૧૯૨૨ કમિટી સમક્ષ સાંસદો પોતાના ઉમેદવારના નામ રજુ કરે તે પછી પાર્લામેન્ટરી પાર્ટી નામાવલિ ટુંકાવીને કોઈ બે મુખ્ય સ્પર્ધકની પસંદગી જાહેર કરશે. આ પછી, આશરે ૧૫૦,૦૦૦ સભ્યો એક સ્પર્ધકને તેમના નેતા તરીકે પસંદ કરશે.
જો ઉમેદવાર એક જ હોય તો તેની પસંદગી સ્વાભાવિક છે, પરંતુ સાંસદો મારફત બે અથવા વધુ નોમિનેશન આવે તો પાર્ટીના સભ્યો દ્વારા પોસ્ટ મારફત વ્યાપક મતદાન પ્રક્રિયા હાથ ધરાય છે. મતદાનની આખરી તારીખની બપોરે જ ગણતરી હાથ ધરી વિજેતાની જાહેરાત કરાય છે.

