લંડનઃ મંગળવાર, ૪ મેની યુકે અને ભારતના વડા પ્રધાનોની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગેડુ બિઝનેસમેન વિજ્ય માલ્યા અને નિરવ મોદીના પ્રત્યર્પણનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક અપરાધીઓને ભારતમાં ટ્રાયલ ચલાવવા પાછા મોકલી દેવા જોઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણ બાબતે યુકે શક્ય તેટલી ચોકસાઈ કરશે.
વિદેશ મંત્રાલયના યુરોપ વેસ્ટ ડિવિઝનના જોઈન્ટ સેક્રેટરી સંદીપ ચક્રબોર્તીએ માલ્યા અને મોદીના પ્રત્યર્પણના સવાલ મુદ્દે કહ્યું હતું કે, વર્ચ્યુઅલ મીટિંગ આ બાબત ચર્ચાઈ હતી. વડા પ્રધાન મોદીએ આર્થિક અપરાધીઓને કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તત્કાળ ભારત મોકલી આપવા જોઈએ તેમ જણાવ્યું હતું. વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે યુકેમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમકારણે તેમની સમક્ષ કેટલાક કાનૂની અવરોધો છે. તેઓ આ વિશે જાણે છે અને યુકેના સત્તાવાળા આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણ બાબતે શક્ય તમામ કરશે તેવી ખાતરી આપી હતી.
ભારતમાં નાણાકીય છેતરપિંડીઓના કેસીસ સંદર્ભે માલ્યા અને મોદીનું કાનૂની કાર્યવાહી માટે પ્રત્યર્પણ કરવા યુકે પર સતત દબાણ કરી રહ્યું છે. વિજય માલ્યા માર્ચ ૨૦૧૬થી યુકેમાં છે અને ત્રણ વર્ષ અગાઉ સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા એક્સ્ટ્રાડિશન વોરન્ટની બજવણી પછી તે જામીન પર છે. બ્રિટિશ સુપ્રીમ કોર્ટે ગયા મે મહિનામાં પ્રત્યર્પણ વિરુદ્ધ તેની અપીલ ફગાવી દીધી હતી. ભારતે માલ્યાના રાજ્યાશ્રયની વિનંતી પર વિચાર નહિ કરવા અનુરોધ કર્યો છે.
દરમિયાન, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નિરવ મોદીના પ્રત્યર્પણના આદેશ પર સહી કરી દીધી છે. જોકે, નિરવ મોદીએ તે આદેશ વિરુદ્ધ અપીલની હિલચાલ તેજ કરી હતી.