વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ટોરી કાર્યકરોમાં સુનાક પ્રત્યે નારાજગી

જૂનમાં પહેલીવાર સુનાકનું રેટિંગ માઇનસ 2.7 થઇ નેગેટિવ ઝોનમાં પહોંચ્યું

Tuesday 11th July 2023 13:02 EDT
 
 

લંડનઃ રિશી સુનાક યુકેના વડાપ્રધાન બન્યા ત્યારપછી પહેલીવાર કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોમાં તેમની લોકપ્રિયતા તળિયે બેઠી છે. પહેલીવાર પાર્ટીના સભ્યો દ્વારા અપાતું એપ્રુવલ રેટિંગ નેગેટિવ થયું છે. કન્ઝર્વેટિવ હોમ વેબસાઇટના માસિક સરવે અનુસાર જૂન મહિનામાં રિશી સુનાક માટેનું નેટ સેટિસ્ફેક્શન રેટિંગ માઇનસ 2.7 નોંધાયું હતું જે મે મહિનાના પ્લસ 21.9 રેટિંગમાં તોતિંગ ઘટાડો દર્શાવે છે. ઓક્ટોબર 2022માં રિશી સુનાક વડાપ્રધાન બન્યા ત્યારે તેમનું એપ્રુવલ રેટિંગ પ્લસ 49.9 હતું.

સુનાક સરકાર પરનો વિશ્વાસ પાર્ટીના સભ્યો ગુમાવી રહ્યાં છે. તેમના પ્રધાનમંડળના રેકોર્ડ 9 મંત્રીઓને કન્ઝર્વેટિવ સભ્યો દ્વારા નેગેટિવ રેટિંગ અપાયું છે જેમાં ચાન્સેલર જેરેમી હન્ટ, લેવલિંગ અપ સેક્રેટરી માઇકલ ગોવ, ઓલિવર ડાઉડેનનો પણ સમાવેશ થાય છે.

જોકે બ્રિટનમાં આવતા ગેરકાયેદસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની નીતિના પ્રખર હિમાયતી એવા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન ટોરી કાર્યકરોમાં હજુ લોકપ્રિયતા ધરાવે છે. તેમનું જૂન મહિનાનું રેટિંગ પ્લસ 30.4 રહ્યું છે. રિશી સુનાક માટે આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે તેમના પુરોગામી બોરિસ જ્હોન્સનનું રેટિંગ માઇનસ 33.8 અને થેરેસા મેનું રેટિંગ માઇનસ 51.2 પર ગગડી ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter