લંડનઃ વડાપ્રધાન બન્યા બાદ લેબર પાર્ટીની પ્રથમ કોન્ફરન્સને સંબોધન કરતા એન્ડી બર્નહામે જાહેરાત કરી હતી કે સોશિયલ કેરને ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે આગામી સંસદની ચૂંટણી બાદ સ્ટેટ પેન્શન પરના ટ્રીપલ લોકને નાબૂદ કરાશે. વર્ષ 2030થી સ્ટેટ પેન્શન પર ફક્ત ડબલ લોક રહેશે અને તે દર વર્ષે ફુગાવાના દરના પ્રમાણમાં અથવા તો 2.5 ટકાના દરે વધતું રહેશે. જોકે, હાલની સંસદના કાર્યકાળમાં સ્ટેટ પેન્શન પર ટ્રીપલ લોક યથાવત રહેશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ બદલાવના કારણે બચતોમાં નોંધપાત્ર વધારો થશે. પેન્શનરો દેશની વધતી સમૃદ્ધિમાં હંમેશા હિસ્સેદાર રહેશે.
એન્ડી બર્નહામે પેન્શનર્સને રાહત આપવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જે લોકો ફક્ત સ્ટેટ પેન્શન પર નભે છે તેમને વર્ષ 2030 સુધી ઇન્કમ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં. હાલમાં ઇન્કમટેક્સ થ્રેશહોલ્ડ ફ્રિઝ કરાયેલ છે અને પેન્શનની રકમમાં વધારાના કારણે ઘણા પેન્શનર પહેલીવાર ઇન્કમટેક્સના દાયરામાં આવી રહ્યાં હતાં. વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે સુનિશ્ચિત કરીશું કે તેમને ઇન્કમ ટેક્સ ચૂકવવો ન પડે. બર્નહામે જણાવ્યું હતું કે, નવી યોજના અંતર્ગત ફક્ત સ્ટેટ પેન્શન પર જ ગુજરાતન ચલાવતા વૃદ્ધોને કોઇ પ્રકારનો કેર ચાર્જ ચૂકવવો નહીં પડે.


