લંડનઃ પબ, ક્લબ અને લાઇવ મ્યુઝિક વેન્યુને આર્થિક રાહત આપવા વડાપ્રધાન એન્ડી બર્નહામે આગામી એપ્રિલ મહિનાથી બિઝનેસ રેટ્સમાં 20 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઇંગ્લેન્ડના લગભગ 32,000 નાના-મોટા પબ, ક્લબ અને લાઇવ મ્યુઝિક વેન્યૂને લાભ થશે અને દરેક પબને વાર્ષિક સરેરાશ 1,100 પાઉન્ડ સુધીની બચત થશે.
વડાપ્રધાન બર્નહામે જણાવ્યું હતું કે, લાંબા સમયથી સરકારો આપણી હાઇ સ્ટ્રીટ્સમાંથી બિઝનેસો બંધ થતા જોઈ રહી હતી. આ નિર્ણયથી સ્થાનિક સમુદાયોના હાર્દસમાન પબ અને બિઝનેસોને પુનર્જીવિત કરવામાં મદદ મળશે. આ રાહતના પગલે સરકાર પર 100 મિલિયન પાઉન્ડનો બોજ પડશે.
વડાપ્રધાન કચેરી અનુસાર આ આર્થિક ખાધને પહોંચી વળવા માટે ઓનલાઇન ટેક કંપનીઓ અને તેમના વેરહાઉસ પર ટેક્સ વધારવા તેમજ વેપ શૉપ્સને મળતી કર રાહતો રદ કરવી જેવા પગલાં લેવાશે. વિરોધ પક્ષના નેતાઓએ આ જાહેરાતને અનફંડેડ ગણાવીને ટીકા કરી છે. જ્યારે પબ માલિકો અને હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.


