વડાપ્રધાન મોદી પ્રવાસી ભારતીય સમુદાયને ભારતની વિકાસગાથાનો હિસ્સો બનાવવા માગે છે – અમર ત્રિવેદી

ઇન્દોરની જનતાએ પ્રવાસી ભારતીયો માટે હૃદયના દ્વાર ખોલી નાખ્યાં હતાં – હ્રિદેશ ગુપ્તા

Wednesday 11th January 2023 06:25 EST
 
 

લંડન

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 8 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન આયોજિત 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં બ્રિટનમાંથી મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. 70 દેશોમાંથી આવેલા 3500 પ્રતિનિધિઓમાં સેંકડો બ્રિટિશ ભારતીયોની હાજરી આંખે ઊડીને વળગતી હતી. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ઇન્ટરનેશનલ, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી, ઇન્ડિયન ડાયસપોરા ઇન યુકે, ઇન્સ્પાયકિંગ ઇન્ડિયન વિમેન, ઉત્તરપ્રદેશ કલ્ચરલ એસોસિએશન સહિતના જાણીતા ભારતીય સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. 10મી જાન્યુઆરીએ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના એડિટર ઇન ચીફ અને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના ટ્રસ્ટી એવા સી બી પટેલને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં.

પ્રવાસી ભારતીય સંમેલન ખાતે ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ઇન્ટરનેશનલના પ્રવક્તા અમર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્રતિનિધિઓને ભવ્ય આવકાર મળ્યો છે. ઇન્દોરના લોકો ઘણા ઉષ્માસભર અને આવકાર આપનારા છે. સિક્યુરિટી અને પોલીસ પણ તમને સ્મિત સાથે આવકારે છે. આઇડીયુકેના હ્રિદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશની સરકાર અને સ્થાનિક જનતાએ અમારો ભવ્ય આવકાર કર્યો છે. વિદેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ માટે ઇન્દોરની જનતાએ તેમના હૃદયના દ્વાર ખોલી નાખ્યાં છે. અહીં મેં એક હોટેલમાં લોકલ થાળીનો આસ્વાદ માણ્યો અને હોટેલ માલિકે મારી પાસેથી નાણા લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

અમર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સંમેલનમાં ઘણી નોંધપાત્ર ક્ષણો આ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન એક અદ્દભૂત ક્ષણ હતી. વડાપ્રધાનનું સંબોધન એનઆરઆઇ માટે પ્રેરણાદાયક રહ્યું. વડાપ્રધાન મોદી અને ભારત પ્રવાસી ભારતીય સમુદાયને વધુ મૂડીરોકાણ કરીને તથા પ્રવાસ કરીને ભારતની વિકાસગાથાનો હિસ્સો બનાવવા માગે છે.

અમર ત્રિવેદી માને છે કે પ્રવાસી ભારતીય દિવસ સંમેલન જૂના મિત્રો સાથેની મુલાકાત અને સમગ્ર વિશ્વમાંથી આવેલા ભારતીય સમુદાયના લોકો સાથે સંપર્ક સાધવાની તક આપતી અદ્દભૂત ઇવેન્ટ છે. સંમેલન પ્રવાસી ભારતીયોને ભારત અંગે વધુ માહિતિ પ્રાપ્ત કરવાની અને માતૃભૂમિના વિકાસમાં યોગદાન આપવાની તક આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter