વડાપ્રધાન મોદીનો ‘વન અર્થ, વન હેલ્થ’નો મંત્ર

Wednesday 16th June 2021 05:32 EDT
 
 

કોર્નવોલ, નવી દિલ્હીઃ જી-૭  શિખર પરિષદના આઉટરીચ સેશન્સમાં ડિજિટલ માધ્યમથી ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર ૧૨ જૂને પ્રથમ સત્રને સંબોધન દરમિયાન ‘વન અર્થ, વન હેલ્થ’નો મંત્ર આપ્યો હતો. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે વડાપ્રધાન મોદીના આ મંત્રનો ઉલ્લેખ કરી તેને મજબૂત સમર્થન આપ્યું હતું. તેમણે કોરોના વેક્સિનને પેટન્ટ ફ્રી કરવાની તરફેણ કરવા સાથે તમામ દેશો સુધી વેક્સિન પહોંચાડવા સહયોગ માગ્યો છે.

વડાપ્રધાન મોદીએ ભારતમાં કોવિડ સંક્રમણની બીજી લહેર દરમિયાન જી-૭ અને અન્ય મહેમાન દેશો દ્વારા મળેલા સમર્થનની પ્રશંસા કરવા સાથે કોરોના મહામારી સામે લડવામાં ભારતના દૃષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાને સંપર્ક ટ્રેસિંગ અને વેક્સિન પ્રબંધન માટે ઓપન સોર્સ ડિજિટલ ટૂલ્સના ભારતના સફળ ઉપયોગ અંગે માહિતી આપી અન્ય વિકાસશીલ દેશોને ભારતના અનુભવ અને નિષ્ણાત જ્ઞાનમાં સહભાગી બનાવવાની ઈચ્છાથી માહિતગાર કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સ્વાસ્થ્યમાં સુધારાના સામૂહિક પ્રયાસોમાં ભારતના સમર્થનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ભવિષ્યની મહામારીઓ અટકાવવા વૈશ્વિક એકતા, નેતૃત્વ અને એકસંપની હાકલ કરી આ બાબતે લોકતાંત્રિક અને પારદર્શી સમાજોની વિશેષ જવાબદારી પર ભાર મૂક્યો હતો.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને મોદી સાથે ચર્ચા કરી ટ્રેડ-રિલેટેડ આસ્પેક્ટ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (TRIPS) એગ્રીમેન્ટ મુદ્દે ભારત પ્રત્યે સમર્થન દર્શાવ્યું હતું. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ સમગ્ર વિશ્વ માટે કોઈપણ અવરોધ વગર મોટા પાયે વેક્સિન ઉત્પાદન સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત જેવા વેક્સિનના અગ્રણી ઉત્પાદકોને કાચો માલ પૂરો પાડવાની હાકલ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ તેનું સમર્થન કર્યું છે. આ અગાઉ WTO તથા UN સેક્રેટરી જનરલ પણ આ મુદ્દે પોતાનું સમર્થન આપી ચુક્યા છે. આ તમામનું માનવું છે કે ગ્લોબલ વેક્સિનેશન પ્લાન માટે આ ટ્રીપ્સ વેઈવર ખૂબ જ જરૂરી છે.

મોદીએ કહ્યું હતું કે આ બેઠકમાં ભારતને સામેલ કરવાનું તાત્પર્ય એ છે કે કોરોના મહામારી દરમિયાન આખી દુનિયા જે પરિસ્થિતિનો સામનો કરી રહી છે, એનાથી બહાર આવવા ભારતની સહાયતા અત્યંત આવશ્યક છે. અમે ભારતની ભાગીદારીથી જી-૭ સાથે કામ કરવા ઇચ્છીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter