લંડનઃ વ્હાઇટ હાઉસ ખાતે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની મુલાકાતાના ફિયાસ્કા બાદ બદલાયેલી પરિસ્થિતિ સુધારવા બ્રિટનના વડાપ્રધાન સર કેર સ્ટાર્મર 3 મોરચા પર લડી રહ્યાં છે. સ્ટાર્મર અમેરિકી પ્રમુખ ટ્રમ્પ, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપિયન યુનિયન વચ્ચે સેતૂ બનવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સ્ટાર્મર માને છે કે તેઓ મધ્યસ્થ તરીકે મહત્વની ભુમિકા ભજવી શકે છે. તેઓ હાલ તો 3 મોરચા પર નાજૂક કડીઓને જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
સૌથી પહેલાં તો સ્ટાર્મરે ઝેલેન્સ્કીને ફરી એકવાર ટ્રમ્પ સાથે વાટાઘાટો કરવા મનાવવામાં સફળતા હાંસલ કરી છે. બીજીતરફ તેઓ અમેરિકી પ્રમુખને રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતિ કરાવવાના પ્રયાસો જાળવી રાખવાની અપીલ પણ કરી રહ્યાં છે. ત્રીજા મોરચે તેઓ યુરોપના દેશોને એક મોરચા પર એકજૂથ કરવાના પ્રયાસ કરી રહ્યાં છે અને તેમને આ દિશામાં સફળતા પણ મળી રહી છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આજે યુરોપ અત્યંત નાજુક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. હું શાંતિની સ્થાપના માટે પ્રયાસ કરી રહ્યો છું. જો મને લાગશે કે હું તેમ કરી શકું છું તો જરૂર કરીશ અને નિષ્ફળતા મળતી દેખાશે તો હું નહીં કરું. હું અન્યોની જેમ સોશિયલ મીડિયા પર નિવેદનબાજી કરવામાં માનતો નથી. મને વ્યવહારૂ પગલાંમાં રસ છે.