લંડનઃ લાંબાસમયથી જેની અપેક્ષા રખાતી હતી તેમ સંસદના ઉપલા ગૃહમાં કન્ઝર્વેટિવ પાર્ટીની બહુમતી ઘટાડવા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે હાઉસ ઓફ લોર્ડ્સમાં 25 નવા લેબર લોર્ડ્સ અને લેડીઝની નિયુક્તિ કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીને ફક્ત 3 જ્યારે લિબરલ ડેમોક્રેટને પાંચ બેઠક ફાળવવામાં આવી છે. સર સ્ટાર્મર દ્વારા નિયુક્તિ કરાયેલા લોર્ડ્સમાં ફરમિદા બી સીબીઇ, પ્રોફેસર ગીતા નારગુંડ, નીના ગિલ સીબીઇ, કાઉન્સિલર શમા ટેટલર અને ઉદય નાગરાજુનો સમાવેશ થાય છે.
ફરમિદા બી નોર્ટન રોઝ ફુલબ્રાઇટ એલએલપીના ચેરમેન અને ડિઝાસ્ટક ઇમર્જન્સી કમિટીના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યાં છે. પ્રોફેસર ગીતા નારગુંડ ક્રિએટ ફર્ટિલિટી અને હેલ્થ ઇક્વાલિટી ફાઉન્ડેશનના સ્થાપક છે. નીના ગિલ વેસ્ટ મિડલેન્ડ્સ માટે યુરોપિયન પાર્લામેન્ટમાં સભ્ય તરીકે સેવાઓ આપી ચૂક્યાં છે. શમા ટેટલર બ્રેન્ટના કાઉન્સિલર હોવા ઉપરાંત લંડન લેબર રિજિયોનલ એક્ઝિક્યુટિવના વાઇસ ચેરમેન છે. ઉદય નાગારાજુ ટેકનોલોજી કન્સલ્ટન્ટ હોવા ઉપરાંત એઆઇ પોલિસી લેબના ફાઉન્ડર છે.


