લંડનઃ સ્ટેમ્પ ડ્યુટી વિવાદમાં સપડાયેલા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેયનરના રાજીનામા બાદ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરને કેબિનેટમાં ધરમૂળથી બદલાવની ફરજ પડી છે. વિદેશ મંત્રી ડેવિડ લેમીને નવા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર જાહેર કરાયા છે. તેમને જસ્ટિસ સેક્રેટરી તરીકેનો હવાલો પણ સોંપાયો છે. જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદને નવા હોમ સેક્રેટરી બનાવાયા છે. હાલના હોમ સેક્રેટરી ય્વેટ કૂપરને નવા ફોરેન સેક્રેટરી જાહેર કરાયાં છે.
એન્જેલા રેયનરે રાજીનામુ આપતા હાઉસિંગ સેક્રેટરીનું પદ ખાલી પડતાં એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટના સ્ટીવ રીડને તેમના આ વિભાગનો હવાલો સોંપાયો છે જ્યારે સ્ટીવ રીડના સ્થાને એમ્મા રેનોલ્ડ્સને એન્વાયર ડિપાર્ટમેન્ટનો કાર્યભાર સોંપાયો છે.
આ સપ્તાહના પ્રારંભમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચીફ સેક્રેટરી નિયુક્ત થયેલા ડેરેન જોન્સને ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર તરીકેનો વધારાનો કાર્યભાર સોંપાયો છે જેના પગલે તેઓ સ્ટાર્મર સરકારમાં મહત્વના વ્યક્તિ બની ગયા છે. પેટ મેકફેડનને ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલરપદેથી હટાવીને ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સનો હવાલો સોંપાયો છે.
સ્ટાર્મર કેબિનેટમાં ચાન્સેલર રેચલ રીવ્ઝ અને હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગને તેમના હોદ્દા પર યથાવત રખાયાં છે. કલ્ચર સેક્રેટરી લિસા નંદી અને એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસન પણ તેમના વિભાગમાં યથાવત રખાયાં છે.
એક એવી ધારણા હતી કે વડાપ્રધાન સ્ટાર્મર તેમની ટીમમાં જુનિયર મિનિસ્ટરોને પ્રમોટ કરશે પરંતુ ફક્ત બે જુનિયર મિનિસ્ટરને પ્રમોટ કરીને મહત્વની જવાબદારી સોંપાઇ છે.