લંડનઃ ભારતની મુલાકાત લઇ પરત ફરેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે મંગળવારે હાઉસ ઓફ કોમન્સમાં તેમની મુલાકાત અંગેની માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક મંચ પર વૃદ્ધિ પામતું પરિબળ છે. યુકે નવી દિલ્હી સાથેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારતની મુલાકાત ઘણી ફળદાયી રહી છે. અમે યુકેમાં 1.3 બિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ અને 10,000 નવી નોકરી સુનિશ્ચિત કરી શક્યાં છીએ. ભારત સાથેના મુક્ત વેપાર કરારનું મહત્વ વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે, આ કરાર નવી બિઝનેસ તકો ખોલવા અને દ્વિપક્ષીય વેપાર મજબૂત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું છે.
સ્ટાર્મરે સાંસદોને જણાવ્યું હતું કે, ભારત ઝડપી વૃદ્ધિ કરતો દેશ છે. 2028 સુધીમાં તે વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની જશે. ભારત સાથેના આપણા સહિયારા ઇતિહાસ અને પારિવારિક સંબધોના જીવંત સેતૂ દ્વારા આપણે ભારતના ભાવિ સાથે સંકળાયેલા છીએ અને ભવિષ્યમાં ઘણી તકો રહેલી છે. તેથી અમે ભારત સાથે વેપાર કરાર કર્યો હતો.

