વડાપ્રધાનપદેથી સર કેર સ્ટાર્મરનું રાજીનામુ

મેં દરેક નિર્ણય હંમેશા મારા વહાલા દેશને સર્વોપરી રાખીને જ લીધો છેઃ સ્ટાર્મર

Tuesday 23rd June 2026 10:34 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે લેબર સરકારમાં નેતૃત્વ પરિવર્તનનો માર્ગ મોકળો કરતાં 22 જૂનના સોમવારના રોજ સવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ઘોષણા કરતી વખતે આંખમાં આંસુ સાથે ભાવુક બનેલા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં નવા નેતાની વરણી કરી દેવાશે.

વડાપ્રધાન પદની રેસમાં હાલ સૌથી મોખરે ચાલી રહેલા એન્ડી બર્નહામના હાથમાં સીધી સત્તા ન આવી જાય તેની કાળજી રાખતાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મારા રાજીનામા બાદ પક્ષમાં નેતૃત્વની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે, જેથી અન્ય સાંસદોને પણ આ રેસમાં ઉતરવાની સમાન તક મળી શકે. સત્તાનું હસ્તાંતરણ કોઈપણ અવરોધ વિના અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે નવી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર યથાવત રહેશે.

સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું દેશના આ સૌથી મોટા પદ પરથી મુક્ત થઈ મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી પાછળ વધુ સમય વિતાવીશ. હું સારા નરસા સમયમાં મારી પડખે ખડકની જેમ ઊભી રહેનારી મારી પત્ની વિક માટે એક શ્રેષ્ઠ પતિ અને મારા વ્હાલસોયા બાળકો માટે એક ઉત્તમ પિતા બનવાનો પ્રયત્ન કરીશ. 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી પરંતુ હવે મારો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

પોતાના નિર્ણય પર સત્તાધારી લેબર પાર્ટીના વલણ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, મારો પક્ષ અત્યારે એ સવાલ પૂછી રહ્યો છે કે શું આગામી સામાન્ય ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કરવા માટે હું યોગ્ય વ્યક્તિ છું? મેં આ સવાલ પર મારી સંસદીય પાર્ટીનો જવાબ સાંભળ્યો છે અને હું તે નિર્ણયને અત્યંત સહજતા અને આદરપૂર્વક સ્વીકારું છું. મેં લીધેલો દરેક નિર્ણય હંમેશા મારા વહાલા દેશને સર્વોપરી રાખીને જ લીધો છે. આ જ કારણે હું લેબર પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter