બ્રિટનમાં વધુ આતંકી હુમલાનો ખતરોઃ આર્મીને સુરક્ષા હવાલો

બકિંગહામ પેલેસ નજીક ચાકુ સાથે એક યુવક ઝડપાયો

Thursday 25th May 2017 07:04 EDT
 
 

લંડનઃ માન્ચેસ્ટર આતંકવાદી હુમલા પછી વડા પ્રધાન થેરેસા મેએ ફરી આતંકી હુમલો થવાની શક્યતા વ્યક્ત કરીને સમગ્ર બ્રિટનની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે. ફરી આવા હુમલાને અટકાવવા માટે દેશના શહેરોની સ્ટ્રીટ્સમાં ૫૦૦૦ સૈનિકો ખડકી દેવાયા છે. બ્રિટનમાં ૨૦૦૭ પછી પ્રથમ વખત આવા હુમલાના જોખમનું પ્રમાણ મહત્તમ હોવાનું સરકારે સ્વીકાર્યું છે. દરમિયાન બકિંગહામ પેલેસ પાસેથી એક શખ્સની પોલીસે ચાકુ સાથે ધરપકડ કરી હતી.

ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બ્રિટનના ક્વીન એલિઝાબેથ દ્વિતિયને પત્ર પાઠવીને આતંકી હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. પત્રમાં તેમણે લખ્યું હતું કે માન્ચેસ્ટરમાં થયેલા આતંકી હુમલાથી અમને આઘાત લાગ્યો છે. ભારત આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢે છે. મુશ્કેલીના આ સમયમાં અમે બ્રિટનના લોકો અને સરકારની સાથે છીએ. 

મૂળ લીબિયાના સલમાન આબેદીએ સોમવાર રાતે માન્ચેસ્ટરમાં આયોજિત કોન્સર્ટમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. તેમાં ૨૨ લોકોનાં મોત થયા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ આબેદીએ એકલા હાથે હુમલાનું આયોજન કર્યુ ન હતું. હુમલાની તૈયારી કરવામાં અન્ય લોકો અને સંગઠનનો પણ હાથ હતો. તપાસમાં વધુ ત્રણની ધરપકડ સાથે આ કેસમાં કુલ ચાર વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બુધવારે એક યુવકની ધરપકડ કરાઈ હતી.

બકિંગહામ પેલેસ પાસેથી યુવક ઝડપાયો

બકિંગહામ પેલેસ પાસેથી એક વ્યક્તિની પોલીસે ચાકુ સાથે ધરપકડ કરી છે. જોકે પોલીસે આ શખ્સ આતંકી ન હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. બકિંગહામ પેલેસ નજીક આવેલા એક મોલમાંથી સવારે ૧૦ વાગે તેની ધરપકડ કરાઈ હતી. તે વખતે મોલને સીલ કરી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારની પણ તપાસ કરવામાં આવી હતી. પાછળથી યુવકને સેન્ટ્રલ લંડન પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો જ્યાં તેની વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter