લંડનઃ ઇનહેરિટન્સ ટેક્સ વધુ ચૂકવનાર પરિવારોની સંખ્યા ગયા વર્ષે વધીને 22 ટકા પર પહોંચી ગઇ છે. ગ્લોબલ સ્ટોક માર્કેટમાં ઘટાડો થયા બાદ 2022-23માં 5000 કરતા વધુ પરિવારોએ રિફંડનો દાવો કર્યો છે. સરકાર 40 ટકા લેવી રદ કરવાની યોજના બનાવી રહી છે તેવા અહેવાલો મધ્યે એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સ પરિવારના મોભીના મોતની તારીખના રોજ તેની સંપત્તિના મૂલ્યના આધારે ઇનહેરિટન્સ ટેક્સની ગણતરી કરે છે. જો પરિવાર વારસામાં મળેલી સંપત્તિ અથવા તો ઇન્વેસ્ટમેન્ટને નક્કી કરાયેલી કિંમત કરતાં ઓછી કિંમતે વેચે તો તેને વધુ ઇનહેરિટન્સ ટેક્સ ચૂકવવો પડે છે.
વિડંબણા એ છે કે સરકાર આપોઆપ રિફંડ આપતી નથી તેથી પરિવારે રિફંડ માટે દાવો કરવો પડે છે. જેના પરિણામે કેટલાકને તો જાણ પણ હોતી નથી કે તેમને રિફંડ મળી શકે છે જેની કિંમત હજારો પાઉન્ડ હોઇ શકે છે.
એનએફયુ મ્યુચ્યુઅલના સીન મેકકેન કહે છે કે દર વર્ષે હજારો પરિવાર વધુ ચૂકવેલા ઇનહેરિટન્સ ટેક્સનું રિફંડ મેળવવા દાવો કરે છે તેમ છતાં ઘણા પરિવાર એવા છે જે રિફંડ મેળવતા નથી. આ વર્ષે મકાનોની કિમતમાં મોટો ઘટાડો થયો હોવાના કારણે રિફંડ માટે દાવો કરનારા પરિવારોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચે તેવી સંભાવના છે.


