વધુ સાત દેશ રેડ અને પોર્ટુગલ યલો ટ્રાવેલ લિસ્ટમાં મૂકાયાઃ ફ્લાઈટ પ્રતિબંધ હળવો કરાયો

Wednesday 09th June 2021 07:31 EDT
 
 

લંડનઃ ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટની જાહેરાત અનુસાર ઈજિપ્ત, શ્રી લંકા,અફઘાનિસ્તાન, બહેરિન, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, સુદાન અને કોસ્ટા રિકા સહિતના દેશને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી દેવાયા છે. આના પરિણામે, બ્રિટિશરોની વિદેશમાં રજાઓ ગાળવાની યોજનાઓ પર પાણી ફરી વળ્યું છે. ગ્રીન લિસ્ટમાં વધુ દેશનો ઉમેરો કરવામાં નહિ આવે પરંતુ, ડેલ્ટા (ઈન્ડિયન) વેરિએન્ટના નવા મ્યુટેશનના ૬૮ કેસ  મળી આવતા પોર્ટુગલને ગ્રીન લિસ્ટમાંથી હટાવી યલો લિસ્ટમાં મૂકી દેવાયું છે.

સરકારે મર્યાદિત ટ્રાયલના ભાગરુપે ૮ જૂનથી રેડ લિસ્ટના દેશો પર ફ્લાઈટ પ્રતિબંધ હળવો કરી હીથ્રો અને બર્મિંગહામ એરપોર્ટ્સ પર ડાયરેક્ટ ફ્લાઈટ્સને ઈંગ્લેન્ડ આવવાની છૂટ જાહેર કરી છે. આનો અર્થ એ છે કે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવાયો છે તેવા ભારત અને સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં ફસાઈ ગયેલા બ્રિટિશરો ડાયરેક્ટ ફ્લાઈટ્સથી દેશ પાછા આવી શકશે.

ગ્રીન ટ્રાવેલ લિસ્ટમાં કોઈ ઉમેરો નહિ

સરકારની જાહેરાત મુજબ ગ્રીન ટ્રાવેલ લિસ્ટમાં નવા કોઈનો ઉમેરો કરાશે નહિ. માલ્ટા, કેનારી આઈલેન્ડ્સ અને બેલેરિક આઈલેન્ડ્સને ગ્રીન લિસ્ટમાં ઉમેરાવાની આશા હતી. ગ્રીન લિસ્ટમાં મુખ્ય પ્રવાસન સ્થળ પોર્ટુગલ સહિત ૧૨ દેશ છે અને હવે પોર્ટુગલ પણ યલો લિસ્ટમાં મૂકાઈ રહ્યું છે. સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને ગ્રીસ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો પણ યલો લિસ્ટમાં જ છે.

હીથ્રો ખાતે રેડ લિસ્ટ દેશો માટે અલગ ટર્મિનલ

યુકેના સૌથી વ્યસ્ત હીથ્રો એરપોર્ટ પર ભારત જેવા રેડ યાદીમાં સમાવિષ્ટ દેશોના પ્રવાસીઓ માટે ખાસ અલાયદું ટર્મિનલ -૩ શરુ કરવામાં આવ્યું છે. રેડ લિસ્ટમાંના દેશોના પ્રવાસીઓ હવે સીધી ફલાઇટ પકડીને હીથ્રો એરપોર્ટના ટર્મિનલ-૩ પર ઉતરી ત્યાંથી સીધી તેમના ખર્ચે બુક કરવામાં આવેલી દસ દિવસની ક્વોરન્ટાઇન સુવિધામાં પહોંચી શકે છે.

લંડન એરપોર્ટના સ્ટાફે તેમની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પરના કર્મચારીઓ લીલી અને પીળી યાદીમાં સમાવિષ્ટ દેશોમાંથી આવતાં પ્રવાસીઓ સાથે છૂટથી હળેમળે છે. હીથ્રો એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યા મુજબ હાલ યુકેના રેડ લિસ્ટમાં કોરોના વાઇરસના વધારે જોખમી વેરીઅન્ટસ મળી આવેલા ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સહિત ૪૩ દેશોનો સમાવેશ થાય છે. વર્તમાન વ્યવસ્થા કોરોના સલામતિના વિવિધ સ્તરોને આવરી લઇ બનાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter