લંડનઃ પોસ્ટ ઓફિસના ખામીપૂર્ણ હોરાઈઝન આઈટી સિસ્ટમ કૌભાંડનો શિકાર બની કોટી રીતે સજા કરાયેલા વધુ સાત પોસ્ટ માર્ટર્સને અપીલ કોર્ટના ત્રણ વરિષ્ઠ જજીસે નિર્દોષ જાહેર કર્યા હતા. પોસ્ટ ઓફિસે આ કર્મચારીઓની અપીલનો કોઈ વિરોધ કર્યો ન હતો. અત્યાર સુધી ૭૦થી વધુ લોકોની સજા રદ કરવામાં આવી છે.
આ સાત પોસ્ટમાસ્ટર્સમાં પૌલીન સ્ટોનહાઉસ, એન્જેલા સેફ્ટોન, જેનીન પોવેલ, એન નિલ્ડ, ગ્રેગરી હાર્ડિંગ, મારિસ્સા ફિન અને જેમી ડિક્સનનો સમાવેશ થાય છે. આ પોસ્ટ ઓફિસ કર્મચારીઓ સામે ચોરી, તેમજ હજારો પાઉન્ડ્સની ખોટ દર્શાવતા ખોટા હિસાબો સહિતના આરોપો લગાવેલા હતા. પોસ્ટ ઓફિસે સ્વીકાર્યું હતું કે આ કર્મચારીઓની સજા માટે ફિજુત્સુ દ્વારા વિકસાવાયેલી આઈટી સિસ્ટમની વિશ્વસનિયતા જવાબદાર હતી. આ હોરાઈઝન સિસ્ટમનો ઉપયોગ સૌ પહેલા વર્ષ ૨૦૦૦માં કરાયો હતો જેના કારણે સંખ્યાબંધ શાખાઓમાં હજારો પાઉન્ડની ખોટ દર્શાવાઈ હતી અને સેંકડો કર્મચારીઓ ખોટી રીતે સજાનો ભોગ બન્યા હતા.

