લંડનઃ ઈંગ્લેન્ડના કોવિડ-૧૯ને લીધે નબળાં પડેલાં અર્થતંત્રમાં A – લેવલની અથવા તેને સમકક્ષ લાયકાત ન હોય તેવા વયસ્કો માટે નોકરીની તકો ઉભી કરવાના પગલાં તરીકે આગામી એપ્રિલથી વયસ્કો વિના મૂલ્યે કોલેજ કોર્સ કરી શકશે. તેનો ખર્ચ £૨.૫ બિલિયનના નેશનલ સ્કીલ્સ ફંડમાંથી કરાશે.
હાલ, સરકાર ૨૩ વર્ષની વય સુધી A – લેવલ સમકક્ષ લાયકાત માટે રકમ ચૂકવે છે. જોકે, હવે એમ્પ્લોયર જે કોર્સને જોબ માટે યોગ્ય માનતા હશે તે કોર્સની સુવિધા તમામ વયના લોકોને મળશે. આ કોર્સીસની માહિતી ઓક્ટોબરમાં અપાશે. હાયર એજ્યુકેશન લોન પણ હવે સરળ બનાવાશે. સરકાર લોકોને તેમના અભ્યાસને વિભાગોમાં વહેંચવાની પરવાનગી આપશે. ક્રેડિટ્સને કોલેજો અને યુનિવર્સિટીઓ વચ્ચે ટ્રાન્સફર કરાશે અને પાર્ટ ટાઈમ લર્નિંગને વધારવામાં આવશે.
નવા પગલાંના ભાગરૂપે સરકાર એપ્રેન્ટીસને કામે રાખનારી, ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને ક્રિએટિવ ઈન્ડસ્ટ્રીઝ સહિત નાની અને મધ્યમ કદની કંપનીઓમાં સરકાર ફંડિંગ વધારી રહી છે.
સરકારે આંકડામાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૦માં ૧૦૦,૦૦૦ની સરખામણીમાં હાલ ખૂબ ઓછાં ૩૫,૦૦૦ વિદ્યાર્થીઓ હાયર નેશનલ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કરે છે. દરમિયાન, ફાઉન્ડેશન ડિગ્રી માટે ૮૧,૦૦૦ની સામે માત્ર ૩૦,૦૦૦ લોકોની નોંધણી થઈ છે. તેનો અર્થ એ કે યુકેમાં દસમાંથી માત્ર એક અથવા ૧૦ ટકા વયસ્ક તેમની સૌથી ઉચ્ચ લાયકાત તરીકે ટેક્નિકલ લાયકાત ધરાવે છે. જર્મનીમાં આ દર ૨૦ ટકા અને કેનેડામાં ૩૪ ટકા છે.