વયોવૃદ્ધ ભારતીય જર્નાલિસ્ટ ગુલશન એવિંગનું કોવિડ-૧૯થી નિધન

Sunday 03rd May 2020 01:05 EDT
 
 

લંડનઃ વિશ્વની સૌથી પ્રસિદ્ધ સેલેબ્રિટીઝ સાથે મેલજોલ રાખનારાં પ્રણેતારુપ ભારતીય જર્નાલિસ્ટ ગુલશન એવિંગનું કોવિડ-૧૯ના લીધે લંડનમાં વૃદ્ધો માટેના સંભાળગૃહમાં ૯૨ વર્ષની વયે ૧૮ એપ્રિલે નિધન થયું હતું. મૃત્યુ સમયે તેમની પુત્રી અંજલિ એવિંગ તેમની સાથે જ હતાં. એવિંગ ભારતના સૌથી લોકપ્રિય બે પ્રકાશનો- મહિલાઓ માટેના મેગેઝિન ‘ઈવ્ઝ વિકલી’ અને ફિલ્મ મેગેઝિન ‘સ્ટાર એન્ડ સ્ટાઈલ’ના ૧૯૬૬થી ૧૯૮૯ સુધી તંત્રીપદે હતાં.

નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર વી.એસ. નાયપોલે તેમના પુસ્તક ‘ઈન્ડિયાઃ એ મિલિયન મ્યુટિનિઝ નાઉ’માં એવિંગનો ઉલ્લેખ ભારતના સૌથી પ્રસિદ્ધ મહિલા તંત્રી તરીકે કર્યો છે. ગુલશન એવિંગ ભારતના એકમાત્ર અને પ્રથમ મહિલા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીનો સૌથી લાંબો ઈન્ટર્વ્યૂ લેવાનો વિક્રમ પણ ધરાવે છે.

ગુલશનનો જન્મ ૧૯૨૮માં મુંબઈમાં પારસી પેરન્ટ્સને ત્યાં થયો હતો. સ્વતંત્ર ભારતમાં જર્નાલિઝમ ક્ષેત્રે જોડાનાર પ્રથમ જૂજ મહિલાઓમાં તેઓ પણ હતાં. તેમણે ૧૯૫૫માં બ્રિટિશ જર્નાલિસ્ટ ગાય એવિંગ સાથે લગ્ન કર્યાં હતાં. તેમના બે સંતાનમાં પુત્રી અંજલિ અને પુત્ર રોય છે. ગુલશન એવિંગે અનેક પ્રકાશનો સાથે કામ કર્યું હતું. ઈવ્ઝ વિકલીના તંત્રી તરીકે તેમમે યુવાન મહિલા પત્રકારોને પ્રેરણા આપી હતી. સ્ટાર એન્ડ સ્ટાઈલના તંત્રી તરીકે હોલીવૂડ અને બોલીવૂડના દિગ્ગજો સાથે તેમની મૈત્રી રહી હતી, જેમાં ગ્રેગરી પેક, કેરી ગ્રાન્ટ, રોજર મૂર, આલ્ફ્રેડ હિચકોક, આવા ગાર્ડનર તેમજ બોલીવૂડના લેજન્ડ્સ દિલિપકુમાર, રાજ કપૂર, શમ્મી કપૂર, દેવ આનંદ, રાજેશ ખન્ના સુનિલ દત્ત અને નરગિસનો સમાવેશ થતો હતો.

તેઓ ૧૯૯૦માં નિવૃત્ત થઈ લંડન સ્થાયી થયાં હતાં. નિવૃત્તિ પછી તેઓ લેખનકાર્ય અને જર્નાલિઝમથી સંપૂર્ણ અળગાં થઈ ગયાં હતાં.  તેમના નિધનના સમાચારે પત્રકાર જગતમાં આઘાતની લાગણી ફેલાવી હતી. ગત સપ્તાહોમાં પ્રિન્સ ચાર્લ્સ અને વિવિધ સેલેબ્રિટીઝ સાથેની તેમની તસવીરો પ્રગટ થઈ હતી. તેમની પુત્રી અંજલિ પણ પત્રકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter