જલંધરઃ હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ દિગ્દર્શક ઉમંગ કુમારે હવે વિશ્વના સૌથી મોટી વયના મેરેથોન રનર ફૌજા સિંહ પર બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. ‘ફૌજા’ નામની ફિલ્મ ફૌજા સિંહની જીવનસફર આધારિત હશે.
પંજાબના જલંધરમાં ૧૯૧૧માં જન્મેલા ફૌજા સિંહ હાલ બ્રિટનમાં સ્થાયી છે. તેઓ કમજોર પગ સાથે જન્મ્યા હતા એટલે બાળપણમાં બહુ હરી-ફરી શક્તા ન હતા. જોકે આ જ ફૌજા સિંહે ૮૪ વર્ષની ઉંમરે મેરેથોનમાં ભાગ લેવાનું શરૂ કર્યું, અને તેઓ દોડવીર તરીકે દુનિયાભરમાં છવાઇ ગયા. આજે તેઓ ૧૧૦ વર્ષના છે. જોકે હવે તેમણે મેરેથોનમાં ભાગ લેવાનું બંધ કર્યું છે.
ફૌજા સિંહને ‘ટર્બન્ડ ટોર્નેડો’, ‘શીખ સુપરમેન’ અને ‘રનિંગ બાબા’ના નામે પણ ઓળખવામાં આવે છે, અને તેમના આ જ સ્પિરિટને ઉમંગ કુમાર ફિલ્મી પરદે દર્શાવવાના છે. ફિલ્મ ખુશવંત સિંહના પુસ્તક ‘ટર્બન્ડ ટોર્નેડો’ પર આધારિત હશે. આ પુસ્તકને ફૌજા સિંહની સત્તાવાર આત્મકથા કહેવામાં આવે છે. ખુશવંત સિંહે આ પુસ્તક પહેલાં ‘શીખ્સ અનલિમિટેડ’ નામના પોતાના પુસ્તકમાં દુનિયાને ફૌજા સિંહનો પરિચય કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉમંગ કુમાર ‘મેરી કોમ’, ‘સરબજીત’ અને ‘પીએમ નરેન્દ્ર મોદી’ જેવી જાણીતી બાયોપિક બનાવી ચૂક્યા છે અને હવે ‘ફૌજા’ ચોથી બાયોપિક હશે. જોકે આગામી મે મહિનામાં ફ્લોર પર જનારી આ બાયોપિકમાં લીડ રોલ કોણ કરશે એ હજુ સુધી ફાઈનલ નથી થયું. ઉમંગ કુમાર સાથે આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ બનાવનારા રાઈટર-ડિરેક્ટર રાજ શાંડિલ્ય પોતાના બેનર હેઠળ આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાના છે.














