લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠ સત્તાવારપણે ૧૨ જૂને ઉજવાઈ હતી અને તેના સંદર્ભે રવિવાર ૧૨ જુને ધ મોલ ખાતે પિકનિક લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ છતાં મહેમાનોના ઉત્સાહમાં જરાપણ ઉણપ જણાઈ ન હતી. પ્રેટ્રન્સ લંચમાં ૧૦,૦૦૦ આમંત્રિતોએ ભોજન લીધું હતું. શાહી પરિવારના સભ્યોએ મહેમાનો સાથે ૩૦ મિનિટ સુધી મેળમિલાપ કર્યો હતો. ક્વીને સંબોધનમાં વર્ષ દરમિયાન તેમને અપાયેલી જન્મદિનની શુભેચ્છા બદલ તમામનો આભાર માન્યો હતો. શનિવારે હજારો લોકો વાર્ષિક ટ્રુપિંગ ધ કલર પરેડ જોવા માટે ઉમટ્યા હતા.
લાઈમ ગ્રીન કોટ અને તે જ રંગની હેટમાં સજ્જ ક્વીનને બગીમાં હોર્સ, ગાર્ડ્સ પરેડ સમારંભમાં લઈ જવાયા હતા. આ પ્રોસેસનમાં ૧૬૦૦ સૈનિકો અને ૩૦૦ અશ્વ સામેલ થયા હતા. રાણીએ હવાઈદળની ફ્લાય પાસ્ટમાં પ્રિન્સેસ શાર્લોટ સહિત શાહી પરિવારના સભ્યો સાથે બકિંગહામ પેલેસની બાલ્કનીમાં દેખા દીધી હતી. મુખ્ય ઈવેન્ટ લંડનમાં આયોજાયો હતો. ત્યારે સમગ્ર યુકેમાં નાની સ્ટ્રીટ પાર્ટીઓ પણ યોજાઈ હતી. ધ મોલમાં આયોજિત કાર્યક્રમ ક્વિનના સૌથી મોટા પૌત્ર પિટર ફિલિપ્સ દ્વારા ગોઠવાયો હતો. આ કાર્યક્રમમાં ક્વીનની છત્રછાયા હેઠળ યુકે અને કોમનવેલ્થમાં ૬૦૦થી વધુ ચેરિટી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ માટે વ્યક્તિદીઠ ૧૫૦ પાઉન્ડની ટિકિટ રાખવામાં આવી હતી.
રાણીએ પ્રવચનમાં કહ્યું હતું કે ‘આજે અહીં તેમજ અન્ય સ્થળોએ સ્ટ્રીટ પાર્ટીઝ યોજનારા લોકો માટે હું આભાર વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે આ આનંદી ઉજવણી આપણને પરિવારો, મિત્રો અને પડોશીઓ જેવા સમાન હેતુઓ માટે લોકો એકત્ર થાય છે. તેના લાભની યાદ અપાવશે. ક્વીનના સંબોધનને સેંટ જેમ્સ પાર્ક ખાતે મોટા પડદા પર દર્શાવાયું હતું. તેમના પૌત્ર ડ્યુક ઓફ કેમ્બ્રિજે પણ એકત્ર મેદની સમક્ષ સંબોધન કરી તેમનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ જ્યોર્જ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. પ્રિન્સેસ શાર્લોટે હાથ હલાવી પ્રજાજનોનો અભિવાદન કરતાં ભારે ઉત્સાહ ફેલાયો હતો.
કાર્યક્રમમાં હાજર રહેવા માટે ૧૫૦ પાઉન્ડની ટિકિટ લેનારા આમંત્રિતોએ ફૂડ અને ડ્રિંક્સના હેમ્પર મેળવવા માટે લાંબી લાઈનો લગાવી હતી. સિક્યુરિટી એકદમ મજબૂત રખાઈ હતી અને પિકનિક ટેબલ ઉપર બેઠક મેળવવા જતા અગાઉ આમંત્રિતોની તપાસ બોડી સ્કેનર્સથી કરવામાં આવતી હતી. નજીકના સેંટ જેમ્સ પાર્કમાં પણ સંખ્યાબંધ પરિવારોએ ક્વીનના માનમાં પોતાની રીતે જ પિકનિક મનાવી હતી. વરસાદ પડતાં કેટલાક વૃક્ષોની નીચે પરિવારના સભ્યોએ આશ્રય લીધો હતો. કેટલાક સભ્યોએ કહ્યું હતું કે ચારેતરફ ભીનું છે પરંતુ વાતાવરણ રોમાંચક અને ઉત્સાહપૂર્ણ છે. અનેક પરિવારો દૂર દૂરના વિસ્તારોમાંથી પણ ક્વીનની વર્ષગાંઠ મનાવવા લંડન આવી પહોંચ્યા હતા.
ક્વિને ઓપન ટોપ કારમાં તેમના પતિ પ્રિન્સ ફિલિપ સાથે સવારી કરી હતી જયારે પ્રિન્સ વિલિયમ કેટ અને હેરી તેમની પાછળના વાહનમાં હતા. આ કાફલો રાજાશાહીના વર્તમાન અને ભવિષ્યકાળની સુંદર છબી દર્શાવનારો બન્યો હતો. જોકે આ કાફલામાં રાજગાદીના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કર બોવેલ્સની ગેરહાજરી તરી આવી હતી જોકે પ્રિન્સ ચાર્લ્સે ગ્લોસ્ટરશાયરમાં તેમના હાઈગ્રોવ નિવાસ નજીક સ્ટ્રીટ પાર્ટીમાં હાજરી આપવાનું પસંદ કર્યું હતું. આ પાર્ટીમાં ૨૦થી વધુ બાળકોએ રાજાઓ અને રાણીનો વેશ પહેરીને પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલનું અભિવાદન કર્યું હતું. શાહી દંપતીએ લોકોની સાથે ૪૫ મિનિટ ગાળી હતી અને વાતચીત પણ કરી હતી.
ક્વીનની સાચી વર્ષગાંઠ ૨૧ એપ્રિલે આવે છે પરંતુ સત્તાવાર ઉજવણી જૂનમાં કરવામાં આવે છે. હવે ક્વીન ૯૦ વર્ષના થયા છે અને પ્રિન્સ ફિલિપે ૯૫ વર્ષ પૂરાં કર્યાં છે ત્યારે પરિસ્થિતિમાં કેટલોક બદલાવ અવશ્ય આવશે. ક્વીને પોતાના કાર્યક્રમોમાં થોડાંક એડજસ્ટ પણ કરવા પડશે. અત્યાર સુધી સીડીઓ ચડીને જનારા ક્વીન માટે લિફ્ટનો ઉપયોગ વધી જશે. તેમની મુલાકાતોની લંબાઈ પણ ઘટશે અને તેમને ઓછામાં ઓછું ઊભા રહેવું પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આમ છતાં ક્વીન એલિઝાબેથ દેશના સૌથી સક્રિય અને પ્રવૃત્તિમય રાણી બની રહ્યાં છે.
વિલ્સડનમાં પણ ક્વીનની બર્થડે ઉજવાઈ
ક્વીનની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે વિલ્સડનની શેરીઓમાં લાલ શ્વેત અને ભૂરા રંગ છવાઈ ગયા હતા. બ્રેન્ટના મેયર કાઉન્સિલર પરવેઝ અહેમદે સ્ટ્રીટ પાર્ટીમાં હાજરી આપી હતી. વિલ્સડન ટેમ્પલ દ્વારા ડિઅરહર્સ્ટ રોડ પર રંગીન સ્ટ્રીટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સાલ રાઈઝની મેનોર્સ સ્કૂલ માટે ૨૦૦૦ પાઉન્ડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી વરસાદ છતાં અહીંયા રહેવાસીઓએ પાર્ટીઓ ગેમ્સ ચહેરા પર રંગરોગાન આઈસક્રીમ અને લંચની મજા માણી હતી.
મેયર ઉપરાંત બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મોહમંદ બટ, બ્રેન્ટના લેબર સાંસદ ડાઉન બટલર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મેનોર સ્કૂલ માટે રેફલ ડ્રોનું આયોજન કરાયું હતું, જેમાં ૪૦ ઈંચના ટીવી અને પેરિસના પ્રવાસ સહિત સંખ્યાબંધ ઈનામ હતાં. ટેમ્પલ કમિટિના સભ્ય કુરજી કેરાઈએ કહ્યું હતું કે અમે ૪૦થી વધુ વર્ષોથી સ્થાનિક કોમ્યુનિટીના હિસ્સા સ્વરૂપ છીએ અને અમે તેને કશું પાછું આપીએ તે મહત્ત્વનું છીએ, અમે જે કાંઈ કરીએ એના કેન્દ્રમાં શાંતિ અને કરૂણા રહ્યાં છે.


