લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે તેમના ટોચના બિઝનેસ સલાહકાર વરુણ ચંદ્રાની અમેરિકા ખાતેના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટેના વિશેષ રાજદૂત તરીકે નિયુક્તિ કરી છે. વરુણ ચંદ્રા અમેરિકામાં યુકેના આર્થિક હિતો અને બંને દેશમાં વેપાર અને મૂડીરોકાણની તકોને આગળ ધપાવવા કામ કરશે.
ગ્રીન લેન્ડ અને નાટોની સેનાઓ મુદ્દે અમેરિકી પ્રમુખ ટ્રમ્પના નિવેદનો બાદ અમેરિકા અને યુકે વચ્ચે પ્રવર્તતા તણાવ મધ્યે વરુણ ચંદ્રા પીઢ રાજદ્વારી ક્રિશ્ચિયન ટર્નર સાથે મળીને કામ કરશે. ગયા મહિને ક્રિશ્ચિયન ટર્નરની અમેરિકાના રાજદૂત તરીકે પીટર મેડલસનના સ્થાને નિયુક્તિ કરાઇ હતી. સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિન સાથેના સંબંધોને કારણે સપ્ટેમ્બર 2025માં મેડલસનની હકાલપટ્ટી કરાઇ હતી.
પહેલા એવી અટકળો હતી કે વરુણ ચંદ્રાને જ અમેરિકા ખાતે બ્રિટિશ રાજદૂત તરીકે નિયુક્તિ કરાશે પરંતુ હવે તેઓ બ્રિટનમાં રહીને જ વિશેષ રાજદૂત તરીકે કામ કરશે અને અમેરિકા આવતા જતા રહેશે. ક્રિશ્ચિયન ટર્નર આગામી સપ્તાહમાં વોશિંગ્ટન ખાતે બ્રિટિશ રાજદૂત તરીકે કામગીરી સંભાળે તેવી સંભાવના છે.
આમ પણ વરુણ ચંદ્રા વડાપ્રધાન સ્ટાર્મરના બિઝનેસ સલાહકાર તરીકે અમેરિકાના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લ્યુટનિક, ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ, એનર્જી સેક્રેટરી ક્રિસ રાઇટ અને અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર સાથેની વાતચીતમાં મહત્વની ભુમિકા ભજવતા હતા. હવે તેમની આ ભુમિકાને વિધિવત નિયુક્તિ દ્વારા મહોર મરાઇ છે.
સપ્ટેમ્બર 2025માં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બ્રિટન મુલાકાત વખતે10 બિલિયન ડોલર કરતાં વધુના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં ચંદ્રાએ મહત્વની ભુમિકા ભજવી હતી. ચંદ્રાએ સ્ટાર્મર સાથે જુલાઇ 2024થી કામ કરવાનું શરૂ કર્યું હતું.

