લંડનઃ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી હેકલ્યુતના પૂર્વ વડા અને સર કેર સ્ટાર્મરના ટોચના બિઝનેસ એડવાઇઝર વરૂણ ચંદ્રાની અમેરિકા સ્થિત યુકેના રાજદૂત તરીકે નિયુક્તિ કરાય તેવી સંભાવના છે. 2025ના પ્રારંભે અમેરિકા અને યુકે વચ્ચે થયેલા વેપાર કરારમાં ચંદ્રાએ મહત્વની ભુમિકા ભજવી હતી.
આ રેસમાં વરૂણ ચંદ્રાના મુખ્ય પ્રતિસ્પર્ધી ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસમાં પોલિટિકલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા ક્રિશ્ચિયન ટર્નર છે. આમ તો તેમને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે યુકેના પરમેનેન્ટ રિપ્રેઝન્ટેટિવ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી સંભાવના વધુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા સાથેના વેપાર કરારમાં મહત્વની ભુમિકા માટે વરૂણ ચંદ્રાની વ્યાપક પ્રશંસા થઇ હતી. ફોરેન ઓફિસમાં ધરમૂળથી બદલાવ કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે તેમની આ નિયુક્તિ અત્યંત મહત્વની બની રહેશે.
અમેરિકાના રાજદૂત તરીકેની ફરજ બજાવવા વડાપ્રધાન સ્ટાર્મરે સર ટોની બ્લેર સરકારના વરિષ્ઠ હોદ્દેદાર મેન્ડલસનની નિયુક્તિ કરી હતી પરંતુ સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિન સાથેના સંબંધોના ખુલાસા બાદ મેન્ડલસનને આ હોદ્દા પરથી હટાવી લેવાની ફરજ પડી હતી.
વરૂણ ચંદ્રા આમ તો રાજદ્વારી નથી પરંતુ ડઝનો દેશોમાં કામ કરી ચૂક્યા છે. હેકલ્યુત કંપની વતી તેઓ ન્યૂયોર્કમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ચંદ્રા લેહમેન બ્રધર્સ સાથે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેનો અનુભવ પણ ધરાવે છે.
ફોરેન ઓફિસના પૂર્વ અધિકારી મેન્ડરિને જણાવ્યું હતું કે, વરૂણ ચંદ્રા અમેરિકા ખાતે યુકેના રાજદૂત તરીકેની ફરજ માટે અત્યંત યોગ્ય વ્યક્તિ છે. તેઓ સંબંધોની જાળવણી અને સ્થાપનામાં માહેર છે.


