લંડનઃ ઈંગ્લેન્ડમાં ટુંક સમયમાં એટલે કે લગભગ ૨૬ જાન્યુઆરીથી વર્ક ફ્રોમ હોમ અને વેક્સિન પાસપોર્ટ જેવા પ્લાન બી નિયંત્રણો પડતા મૂકવામાં આવનાર છે. જોકે, ઓમિક્રોન કેસીસમાં વધુ ઘટાડો ન થાય ત્યાં સુધી ટ્રેઈન્સ, બસીસ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શોપ્સમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. એજ્યુકેશન સેક્રેટરી નધિમ ઝાહાવી અને ટોરી પાર્ટીના ચેરમેન ઓલિવર ડાઉડેને પણ આ બાબતે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ૨૬ જાન્યુઆરીથી પ્લાન બી નિયંત્રણો પડતા મૂકે તેવી શક્યતા છે. આના પરિણામે, બ્રિટિશરો ફરીથી ઓફિસમાં કામે જઈ શકશે અને ફૂટબોલ ગેમ્સ સહિતના સામૂહિક ઈવેન્ટ્સમાં પોતાનું કોરોના વેક્સિનેશન સ્ટેટસ અથવા નેગેટિવ ટેસ્ટને દર્શાવ્યા વિના હાજરી આપી શકશે. જોકે, ઓમિક્રોન વેરિએન્ટના કેસીસ ઘટે નહિ ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શોપ્સમાં ફરજિયાત ફેસ માસ્ક પહેરવાની જરુરિયાત યથાવત રખાશે.
એજ્યુકેશન સેક્રેટરી નધિમ ઝાહાવીએ જણાવ્યું હતું કે કોવિડ વિરુદ્ધ યુકેની લડાઈમાં આંકડા પોઝિટિવ જણાય છે. જ્યારે ૨૬ જાન્યુઆરીએ સમીક્ષા કરાશે ત્યારે કેટલાક નિયંત્રણો ઉઠાવી લેવાની સારી સ્થિતિ હશે. મહામારીમાંથી રોગચાળાની પરિસ્થિતિ તરફ પ્રગતિ થઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે નિયંત્રણો હળવાં કરવાના ભાગરુપે ક્લાસરુમ્સમાં માસ્કની જરૂરિયાત કદાચ પડતી મૂકાશે. શાળાના હોલવે અને કેન્ટીન્સ જેવા સામુદાયિક એરિયામાં જ ચહેરાને ઢાંકવાનું જરૂરી ગણાશે.
અનેક અભ્યાસોમાં બહાર આવ્યું છે કે અન્ય વેરિએન્ટ્સની સરખામણીએ ઓમિક્રોન ઘણો જ હળવો છે. યુકેના પ્રથમ સત્તાવાર રિપોર્ટ મુજબ ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ૫૦થી ૭૦ ટકા ઓછું છે. કોવિડ બૂસ્ટર ડોઝ ઓમિક્રોનના ચેપ સામે રક્ષણ આપે છે તેમ હેલ્થ સત્તાવાળાઓ વારંવાર કહી રહ્યા છે.


