લંડનઃ વડા પ્રધાન બોરિસ જહોન્સને કોરોના મહામારીના બીજા મોજાને અટકાવવા નવા નિયંત્રણો જાહેર કર્યા રાષ્ટ્રજોગ પ્રવચનમાં બ્રિટિશર્સને વર્ક ફ્રોમ હોમમાં ફરી જોડાવા અપીલ કરી હતી. આ અપીલના ૩૬ કલાક પછી ૨૪મીએ સતત બીજા દિવસે પણ લોકો ઓફિસે જવા નીકળતા ટ્યૂબ અને ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.
મહામારી દરમિયાન જોખમમાં મૂકાયેલી કંપનીઓ બચાવવા ટાઉન અને સિટીના લોકોને ફરી કામે ચડવા પ્રોત્સાહન આપવાના મુશ્કેલ અભિયાનનું નેતૃત્વ સંભાળ્યું હોવા છતાં, નવા નિયંત્રણો અને ફેરફારો જાહેર કરતાં વડા પ્રધાન જહોન્સને જણાવ્યું હતું કે જે લોકો ઘરેથી કામ કરી શકે તેમ હોય તેમણે ફરી ઘેરથી જ કામે લાગી જવું જોઈએ. તેમણે બોલેલું ફેરવી તોળતાં બિઝનેસ અગ્રણીઓ રોષે ભરાયા હતા. તેમણે છ મહિનાના વર્ક ફ્રોમ હોમના અનુરોધને ક્રિમિનલ પગલું ગણાવી ચેતવણી આપી હતી કે તેમની યોજનાને લીધે જંગી રકમ અને સંખ્યાબંધ નોકરીઓ ગુમાવવી પડશે.
જહોન્સનના પ્રવચન પછી દેશની કેટલીક મોટી કંપનીઓએ તેમની કામકાજની વ્યવસ્થામાં કોઈ જ ફેરફાર ન થયો હોવાની જાહેરાત કરી હતી. ટ્યૂબ અને ટ્રેનો ભરચક જોવા મળતાં તે વાત સાચી લાગી હતી. ટ્રાફિક ડેટા મુજબ બ્રિટનના મુખ્ય શહેરોમાં રસ્તાઓ પર કારની સંખ્યામાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો.
બ્રિટનની સૌથી મોટી કંપનીઓએ તેમના સ્ટાફને ઘર અને ઓફિસ વચ્ચે સમય ફાળવવા પરવાનગી આપેલી જ છે. બિઝનેસ અગ્રણીઓએ કહ્યું કે તેમના બિઝનેસની જરૂરિયાત મુજબ તે સિસ્ટમ ચાલુ રહેશે.
કર્મચારીઓ રૂબરૂ હાજર રહીને કામ કરતા હોય તેમાં સુપરમાર્કેટ ચેઈન્સની હેડ ઓફિસીસ તેમજ હાઈ સ્ટ્રીટ બેંક્સનો સમાવેશ થાય છે કારણ કે તેમના માટે કર્મચારીઓ બિલ્ડીંગમાં રહે તે જરૂરી હોય છે. અસડાએ તેના કર્મચારીઓ ઈચ્છે તો રૂબરુ કામે પાછા ફરવા જણાવ્યું હતું. જ્યારે નેટવેસ્ટ અને આરબીએસનો દસ હજાર કર્મચારીઓનો સ્ટાફ સમગ્ર મહામારી દરમિયાન ગ્રાહકોને મદદરૂપ થવા હાજર હતો તે હજુ તેમની ઓફિસોમાં કાર્યરત છે.